છરીની અણીએ લૂંટ ચલાવનાર ગેંગનો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા પર્દાફાશ, કલાકોમાં બે આરોપી ઝડપાયા
કચ્છ, 16 જૂન (હિ.સ.) : ગાંધીધામમાં ટ્રક ચાલક અને તેના સાથીદારને છરીના ધાકે લૂંટી ફરાર થયેલા આરોપીઓ સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં વપરાયેલ હથિયારો, મોટ
હાઈવે પર લૂંટ ચલાવનાર આરોપીઓ


કચ્છ, 16 જૂન (હિ.સ.) : ગાંધીધામમાં ટ્રક ચાલક અને તેના સાથીદારને છરીના ધાકે લૂંટી ફરાર થયેલા આરોપીઓ સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટમાં વપરાયેલ હથિયારો, મોટરસાયકલ તેમજ લૂંટાયેલો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને એક મહત્વની સફળતા મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ ઝોન ગોળાઈથી ગુડ સાઇડ પુલિયા તરફ જતા સર્વિસ રોડ પર આવેલા અંબિકા કાંટા નજીક એક ટ્રક ચાલક પોતાના વાહનની તપાસ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. આરોપીઓએ છરી વડે ટ્રક ચાલક અને તેના સાથીને ઇજાઓ પહોંચાડી તેમની પાસેથી બે મોબાઇલ ફોન અને રોકડ રકમ લૂંટી લીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, પેટ્રોલિંગ દરમિયાન એકત્રિત માહિતી અને માનવસૂત્રોથી મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.

તપાસ દરમિયાન અકરમ સિદ્દિક બુટા (ઉંમર 25 વર્ષ, રહેવાસી કિડાણા) અને અજીત ઉર્ફે નનકો જંગબહાદુર શુકલા (ઉંમર 24 વર્ષ, રહેવાસી કંડલા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ત્રીજો આરોપી મામદ બાવલા મથડા હાલ ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસની અલગ ટીમો કાર્યરત છે.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા બે મોબાઇલ ફોન, રોકડ રકમ, બે ધારદાર છરીઓ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ તેમજ અન્ય મોબાઇલ ફોન મળી કુલ નોંધપાત્ર કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે, બંને ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરી, લૂંટ, મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ ગાંધીધામ, કંડલા મરીન અને ભચાઉ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા તેઓ લાંબા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

આ સમગ્ર કામગીરી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પી.એસ.આઇ. એલ.એન. વાઢીયા, પી.એસ.આઇ. સી.એચ. બડીયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીની ધરપકડ માટે તપાસ વધુ વેગવંતી બનાવી છે

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande