
કચ્છ, 16 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં નોંધાયેલા પોક્સો અને શારીરિક છેડછાડ સંબંધિત ગંભીર ગુનાના કેસમાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ઝડપી કામગીરી કરીને આરોપીને ગણતરીના સમયમાં જ કાયદાના શિકંજામાં લઈ લીધો છે. પોલીસની આ કાર્યવાહીથી મહિલાઓ અને બાળકોની સુરક્ષા પ્રત્યે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા વધુ એક વખત સ્પષ્ટ થઈ છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફને અલગ-અલગ દિશામાં તપાસ માટે સક્રિય કરવામાં આવ્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પોલીસની સતત મહેનત અને સચોટ માહિતીના આધારે આરોપી ગોવિંદ જેમાભાઈ દેવીપુજક (ઉંમર 22 વર્ષ), જે હાલમાં ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના ઇમામ ચોક ખાતે રહેતો હતો અને મૂળ પાટણ જિલ્લાના જેટલપર અરજણસર ગામનો રહેવાસી છે, તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ પ્રત્યે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને આવા કેસોમાં આરોપીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની આ ઝડપી કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar