





કચ્છ, 16 જૂન (હિ.સ.) કચ્છની ધરતી તેના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસા, અનોખી હસ્તકલા અને વિશિષ્ટ કૃષિ ઉત્પાદનો માટે વિશ્વભરમાં જાણીતી રહી છે. હવે આ ઓળખને વધુ મજબૂત બનાવતા કચ્છના અનેક પરંપરાગત ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (GI) ટેગ મળતાં સ્થાનિક કારીગરો અને ખેડૂતો માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને કારણે સ્થાનિક ઉત્પાદનોને માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે.
GI ટેગ કોઈપણ ઉત્પાદનની ભૌગોલિક વિશિષ્ટતા, ગુણવત્તા અને પરંપરાગત ઓળખને સત્તાવાર માન્યતા આપે છે. કચ્છના પ્રસિદ્ધ અજરખ પ્રિન્ટ, બાંધણી કળા, રોગન આર્ટ, કચ્છી શાલ, પરંપરાગત ભરતકામ અને કચ્છી ખારેક જેવા ઉત્પાદનોને મળેલી આ માન્યતા માત્ર એક સન્માન નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી કારીગરી અને મહેનતનું મૂલ્યાંકન છે. આ ટેગ મળવાથી ઉત્પાદનોની નકલ અટકાવવામાં મદદ મળે છે તેમજ મૂળ ઉત્પાદકોને યોગ્ય બજાર અને વાજબી કિંમત પ્રાપ્ત થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ‘મન કી બાત’ જેવા લોકપ્રિય કાર્યક્રમોમાં વડાપ્રધાન દ્વારા વિવિધ GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો ઉલ્લેખ કરીને કારીગરો અને ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પ્રયાસોના પરિણામે દેશના વિવિધ વિસ્તારોની પરંપરાગત કળાઓ અને ઉત્પાદનોને નવી ઓળખ મળી રહી છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળી રહી છે.
કચ્છની હસ્તકલા વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અજરખની કુદરતી રંગોની છાપકામ કળા હોય કે બાંધણીની રંગબેરંગી ડિઝાઇન, રોગન આર્ટની અનોખી પેઇન્ટિંગ હોય કે કચ્છી ભરતકામની સૂક્ષ્મ કારીગરી – દરેક કૃતિ કચ્છની સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની જીવંત ઝાંખી કરાવે છે. બીજી તરફ કચ્છી ખારેક તેના પૌષ્ટિક ગુણધર્મો અને વિશિષ્ટ સ્વાદને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય બની રહી છે. GI ટેગ મળ્યા બાદ આ ઉત્પાદનોની માંગમાં વધારો થવાની સાથે નિકાસની તકો પણ વધુ વિસ્તરવાની શક્યતા છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને વ્યાપારિક પ્લેટફોર્મ પણ સ્થાનિક કારીગરો માટે લાભદાયી સાબિત થઈ રહ્યા છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ જેવી પહેલ દ્વારા કારીગરો, ડિઝાઇનરો અને ઉદ્યોગસાહસિકોને રોકાણકારો, ઇ-કોમર્સ કંપનીઓ અને સરકારી ખરીદી પ્લેટફોર્મ સાથે જોડવાની તક મળી રહી છે. જેના કારણે પરંપરાગત કળામાં આધુનિકતા અને વ્યાપારિક સંભાવનાઓનો સુમેળ સર્જાઈ રહ્યો છે.
સ્થાનિક કૌશલ્ય અને પરંપરાગત વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો આ પ્રયાસ માત્ર આર્થિક વિકાસ પૂરતો સીમિત નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ઓળખને પણ વધુ મજબૂત બનાવે છે. કચ્છના GI ટેગ પ્રાપ્ત ઉત્પાદનો આજે દેશ માટે ગૌરવનું પ્રતિક બની રહ્યા છે અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. કચ્છની કલા, કૌશલ્ય અને કૃષિ ઉત્પાદનોની આ વૈશ્વિક ઓળખ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar