




કચ્છ, 16 જૂન (હિ.સ.) ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં સરકારી જમીન પર થયેલા દબાણો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસોથી ગામતળ વિસ્તારમાં વર્ષોથી ઉભા રહેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
મળતી માહિતી મુજબ ગામતળની જમીન પર પાકા અને કાચા મળી કુલ 10 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી જ સંબંધિત દબાણકારોને કાયદેસરની નોટિસો પાઠવી જરૂરી દસ્તાવેજો અને માલિકીના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી. પંચાયત ધારાની જોગવાઈઓ અનુસાર પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં કેટલાક દબાણકારો કોઈ માન્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા.
ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા માટે અંતિમ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકારોએ સૂચનાનું પાલન ન કરતા વહીવટી તંત્રએ કડક વલણ અપનાવી સ્થળ પર બુલડોઝર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન કુલ અંદાજે 1,100 ચોરસ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
તંત્રના જણાવ્યા અનુસાર દબાણ દૂર થતાં આશરે 5.50 લાખ મૂલ્યની ગામતળની કિંમતી જમીન ફરીથી જાહેર હિત માટે ઉપલબ્ધ બની છે. ગ્રામજનોના હિતને ધ્યાનમાં રાખીને સરકારી જમીનને દબાણમુક્ત બનાવવાની આ કાર્યવાહી આગામી સમયમાં અન્ય વિસ્તારો માટે પણ ચેતવણીરૂપ બની શકે છે.
સ્થાનિક તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર મિલકતો અને સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar