
કચ્છ, 16 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલા “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન” અંતર્ગત ગાંધીધામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભચાઉ તાલુકાના નંદગામ નજીકથી પોલીસે મોટી માત્રામાં ગાંજો જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.18.67 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને હેરફેરને નાબૂદ કરવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત એસઓજીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે ચેકિંગની કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન એસઓજીને ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે નંદગામથી વરસાણા તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવેલી એક હોટલની આસપાસ બે વ્યક્તિઓ ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી કુલ 37.100 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.18.55 લાખ થાય છે. પોલીસે ગાંજાની સાથે બે મોબાઈલ ફોન, એલ્યુમિનિયમના ડબા, રોકડ રકમ, આધારકાર્ડ સહિત અન્ય વસ્તુઓ પણ કબજે કરી હતી. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.18,67,020 આંકવામાં આવી છે.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના રહેવાસીઓ તરીકે કરી છે. પ્રાથમિક તપાસ બાદ બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને કેસ સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીથી પૂર્વ કચ્છ પોલીસને નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્ક સામે વધુ એક મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવે છે. પોલીસ હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. જિલ્લામાં ડ્રગ્સના વેપાર સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ રહેતા આવા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar