
કચ્છ, 16 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત દુધઈ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પ્રોહીબિશનના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા એક આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલુ રાખવામાં આવી રહી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન સંબંધિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા અને તેમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ તથા માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ આગળ ધપાવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગણનાપાત્ર ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. આ ગુનામાં વર્ષામેડી ગામના રહેવાસી પ્રભુ છગનભાઈ ડોડીયા, રમેશ છગનભાઈ ડોડીયા અને યતિન પ્રભુ ડોડીયા સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી.
દુધઈ પોલીસની સતત દેખરેખ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે રમેશ છગનભાઈ ડોડીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડથી કેસની તપાસમાં વધુ મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કેસના બાકીના બે ફરાર આરોપીઓ પ્રભુ છગનભાઈ ડોડીયા અને યતિન પ્રભુ ડોડીયાને પકડવા માટે વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. તેમની સંભવિત હાજરીના સ્થળોએ તપાસ અને નજર રાખવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
દુધઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર સામેની કડક કાર્યવાહીના ભાગરૂપે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં અને પ્રોહીબિશન સંબંધિત ગુનાઓ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar