મસાટની નવી સરકારી હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી, નવા વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
સિલવાસા,16 જૂન (હિ.સ.) મસાટ સ્થિત માધ્યમિક સરકારી હાઈસ્કૂલની નવી બિલ્ડિંગમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ગ્રામ પંચાયત સ્કૂલ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત
પ્રવેશ ઉત્સવ


સિલવાસા,16 જૂન (હિ.સ.) મસાટ સ્થિત માધ્યમિક સરકારી હાઈસ્કૂલની નવી બિલ્ડિંગમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. ગ્રામ પંચાયત સ્કૂલ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને શત-પ્રતિશત નામંકન સુનિશ્ચિત કરવાનો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને નોડલ અધિકારી તરીકે શેફાલી દીપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મસાટ ગ્રામ પંચાયતના સરપંચ શૈલેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રેખાબેન પટેલ, પંચાયતના સભ્યો, સ્થાનિક ગ્રામજનો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. પ્રવેશોત્સવ દરમિયાન સરપંચ શૈલેશ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય રેખાબેન પટેલે નવા વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને તિલક કરી, મોં મીઠું કરાવી તેમજ માથે સુંદર ટોપી પહેરાવી શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે બાળકોમાં શાળા પ્રત્યે વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા નોડલ અધિકારી શેફાલી દીપકભાઈ પટેલ અને સરપંચ શૈલેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. હાઈસ્કૂલની નવી બિલ્ડિંગ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે વાલીઓને પોતાના બાળકો, ખાસ કરીને દીકરીઓને નિયમિત રીતે શાળામાં મોકલવા અપીલ કરી હતી. શિક્ષકોએ પણ નવા શૈક્ષણિક વર્ષમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande