પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે મેયરની સંવેદનશીલ પહેલ.
પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ
પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે મેયરની સંવેદનશીલ પહેલ.


પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે દિવસ-રાત કામગીરી બજાવતા સફાઈ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓફિસ હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. મેયરએ સેનીટેશન વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓની સુરક્ષા જાળવવી અત્યંત જરૂરી છે. સફાઈ કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓ અને વોર્ડ સુપરવાઈઝરોની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવી છે.

ઓફિસ હુકમ મુજબ પોરબંદર મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ હેઠળ રોજિંદી સાફ-સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓ, ડ્રેનેજ અને નાળા સફાઈની ટીમો તેમજ સફાઈ કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે સૂચનાઓના તાકીદે અમલનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સફાઈ કર્મચારીઓએ ફરજ દરમિયાન Breathable/Cotton Hand Gloves, માસ્ક તેમજ અન્ય આવશ્યક સુરક્ષા સાધનોનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખી રીફ્લેક્ટર જેકેટ પહેરીને જ કામગીરી કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે કર્મચારીઓ દ્વારા સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં નહીં આવે તેમને જરૂરી સૂચના આપી નિયમોનું પાલન કરાવવામાં આવશે.

કર્મચારીઓના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ તમામ સફાઈ કર્મચારીઓને નવી હેન્ડ ગ્લોઝની જોડી ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વરસાદી પરિસ્થિતિમાં પણ સફાઈ કામગીરી અવરોધ વિના ચાલુ રહી શકે અને કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તમામ સફાઈ કર્મચારીઓને સત્વરે રેઈનકોટ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવા સેનીટેશન વિભાગને સૂચના આપવામાં આવી છે. આ માટે સ્ટોક વેરિફિકેશન કરી જો હેન્ડ ગ્લોઝ, માસ્ક, રીફ્લેક્ટર જેકેટ અને રેઈનકોટ જેવા જરૂરી સાધનો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

તમામ વોર્ડ સુપરવાઈઝરઓએ પોતાના કાર્યક્ષેત્રના સફાઈ કર્મચારીઓ અને સફાઇ ટીમો દ્વારા સુરક્ષા સાધનોનો નિયમિત ઉપયોગ થાય અને કચેરી દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે વ્યક્તિગત રીતે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ક્ષતિ જણાશે તો સંબંધિત વોર્ડ સુપરવાઈઝર સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી ઓફિસ હુકમમાં આપવામાં આવી છે. સેનીટેશન વિભાગના મુખ્ય અધિકારીઓને આ સમગ્ર હુકમની અસરકારક અને ચુસ્ત અમલવારી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

આ બાબતમાં કોઈપણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્દેશ મેયર દ્વારા આપવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્ય, સુરક્ષા અને માનવિય ગૌરવને કેન્દ્રસ્થાને રાખીને લેવામાં આવેલ આ નિર્ણયને વિવિધ વર્ગો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષિત કાર્યપરિસ્થિતિનું નિર્માણ કરવા મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા આ નિર્ણય દ્વારા વધુ એક વખત સ્પષ્ટ થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande