
મહેસાણા, 16 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઉંઝાના ઉનાવા દેશ યુવક મંડળ દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત ‘શ્રી કૃષ્ણ લીલામૃત કથા’ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 17 જૂન 2026 થી 21 જૂન 2026 સુધી યોજાનારી આ પાંચ દિવસીય કથામાં ઉંઝા અને આસપાસના પંથકમાંથી અંદાજે 325 જેટલા ભાવિક ભક્તો ભાગ લેશે.
કથાના પ્રારંભ પૂર્વે ઉંઝામાં ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સવિતા ગોપાલભાઈ અલોડીયાના નિવાસસ્થાનેથી ભગવાનની પવિત્ર પોથીજીને માથે પધરાવી વાજતે-ગાજતે યાત્રા નીકળી હતી. ભક્તજનોએ ભજન-કીર્તન અને જયઘોષ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
દેવભૂમિ દ્વારકામાં આવેલા આહિર સમાજ ભવન ખાતે કથા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, દિવ્ય લીલાઓ અને આધ્યાત્મિક સંદેશોનું રસપાન ભક્તોને કરાવવામાં આવશે. આયોજકો દ્વારા રહેવા, જમવા સહિતની વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ધાર્મિક મહોત્સવને લઈને મહેસાણા જિલ્લાના ઉંઝા અને ઉનાવા પંથકના શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથા દ્વારા ભક્તોમાં ધાર્મિક જાગૃતિ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ પ્રસરે તેવી આયોજકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR