
મહેસાણા, 16 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પિલુદરા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે આરોગ્ય, શિક્ષણ અને સશક્તિકરણ વિષયક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન આયર્ન ફોલિક એસિડ (IFA) અને કેલ્શિયમ ટેબ્લેટના યોગ્ય સેવન અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને જણાવાયું હતું કે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ એકસાથે ન લેવી જોઈએ, કારણ કે તેનાથી આયર્નનું શોષણ પ્રભાવિત થાય છે. એનિમિયાથી બચવા માટે પૌષ્ટિક આહાર અને નિયમિત આયર્નના સેવન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ, અભ્યાસ પ્રત્યે એકાગ્રતા અને ઉચ્ચ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળલગ્નના દૂષણો અંગે જાગૃતિ ફેલાવી કિશોરીઓને પોતાના ભવિષ્ય પ્રત્યે સજાગ રહેવા પ્રેરિત કરવામાં આવી હતી. સખી-સહસખી યોજના અને નેતૃત્વ વિકાસ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સેજા સુપરવાઇઝર તથા આંગણવાડી કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. કિશોરીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની શંકાઓનું સમાધાન મેળવી કાર્યક્રમનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR