
ભાવનગર, 16 જૂન (હિ.સ.)આસામ રાજ્યના જોરહટ વિસ્તારમાં સર્જાયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં ભારતીય સેનાના પાંચ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. દેશ માટે સેવા બજાવતા આ સૈનિકોના અકાળ અવસાનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુર્ઘટનામાં શહીદ થયેલા સૈનિકોને પ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારિબાપુએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમજ તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
મોરારિબાપુએ જણાવ્યું કે દેશની સુરક્ષા માટે પોતાના જીવનનું સમર્પણ કરનાર સૈનિકો, રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે. તેમની નિષ્ઠા, ફરજપરાયણતા અને બલિદાન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આવા કરુણ પ્રસંગે સમગ્ર દેશ શહીદ સૈનિકોના પરિવારોની સાથે ઉભો છે અને તેમના દુઃખમાં સહભાગી છે.
આ દુર્ઘટનામાં પ્રાણ ગુમાવનાર પાંચેય સૈનિકોના પરિવારજનોને સંવેદના સ્વરૂપે, રૂપિયા ૨૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦ની સહાય રકમ અર્પણ કરવામાં આવશે. મોરારિબાપુ દ્વારા અર્પણ કરવામાં આવેલી આ રકમ સેનાના હવાઈદળ અંતર્ગત સંબંધિત ભંડોળમાં પહોંચાડવામાં આવી રહી છે, જેથી તે શહીદ સૈનિકોના પરિવાર સુધી પહોંચાડી શકાય.
મોરારિબાપુ દ્વારા વર્ષોથી, વિવિધ અકસ્માતો, કુદરતી આફતો તેમજ રાષ્ટ્રસેવામાં પ્રાણ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને સંવેદના સહાય આપવામાં આવે છે. માનવતા, કરુણા અને સહાનુભૂતિના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરાવે છે.
આસામની આ દુઃખદ વિમાન દુર્ઘટનામાં, શહીદ થયેલા સૈનિકોને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે. તેમની આત્માને શાંતિ મળે અને પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના સાથે, મોરારિબાપુએ પોતાની શ્રદ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA