'જનકલ્યાણ શિબિર’ બની વરાછાના વિદ્યાર્થી ઉત્તમ માટે વિજ્ઞાન સાધનાનું માધ્યમ
સુરત, 16 જૂન (હિ.સ.): વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે આયોજિત ‘જનકલ્યાણ શિબિર’ અનેક લાભાર્થીઓને સમૃદ્ધ જીવનની દિશા તરફ દોરી ગઈ હતી. આવા જ એક વિદ્યાર્થી અને લાભાર્થી ઉત્તમ વાજા માટે આ શિબિર વિજ્ઞાન પ્રવાહમાં ભણીને શ્રેષ્ઠ કારકિર્દીના પગથિયા સમાન બ
Surat


સુરત, 16 જૂન (હિ.સ.): વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે આયોજિત ‘જનકલ્યાણ શિબિર’ અનેક લાભાર્થીઓને સમૃદ્ધ જીવનની દિશા તરફ દોરી ગઈ હતી. આવા જ એક વિદ્યાર્થી અને લાભાર્થી ઉત્તમ વાજા માટે આ શિબિર વિજ્ઞાન પ્રવાહમાં ભણીને શ્રેષ્ઠ કારકિર્દીના પગથિયા સમાન બની છે.

સુરતના મારૂતિચોક સ્થિત સંતોષીનગરમાં રહેતા અને દરજીકામ કરતા દિનેશભાઈ વાજાના અભ્યાસમાં તેજસ્વી પુત્ર ઉત્તમને મહાનુભાવોના હસ્તે શિક્ષણ વિભાગની 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના' અંતર્ગત ઉચ્ચ શિક્ષણના પ્રોત્સાહન માટે ₹25,000ની સહાયનો મંજૂરીપત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ઉત્તમે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 92% જેટલા ઉચ્ચ ગુણાંક મેળવ્યા હતા. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ઉત્તમ વાજા ભણવામાં હોંશિયાર હોવાથી પરિવાર વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા ઈચ્છતો હતો, પણ ખૂબ ઓછી આવક ધરાવતા મધ્યમવર્ગીય પરિવારને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પોસાય તેમ ન હતું. દરજીકામ કરતા પિતા આર્થિક તડજોડ કરીને પણ ઉત્તમને ઉચ્ચ અભ્યાસ કરાવવા તત્પર હતા.

કહેવાય છે કે ‘દોડવું હોય તેને ઢાળ મળી જ રહે છે’ એ ન્યાયે વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે સક્ષમ પરંતુ મર્યાદિત આર્થિક સંસાધનો ધરાવતા આવા તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતાને યોગ્ય આર્થિક પીઠબળ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે ‘'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરતા ઉત્તમ જેવા હજારો વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આવી. ઉત્તમના પરિવારને આ યોજના સરકારે તેમના માટે જ બનાવી હોય એવો અહેસાસ થયો. ઉત્તમને શિબિરમાં જ મંજૂરીપત્ર અપાયો, જેથી આગામી બે વર્ષમાં કુલ ₹૨૫,૦૦૦ની આર્થિક સહાયનો લાભ DBTના માધ્યમથી વચેટિયા પ્રથા વિના પારદર્શક રીતે મળવાપાત્ર થશે.

ઉત્તમે સરકારનો આભાર માનતા જણાવ્યું કે, પિતાજી દરજીકામ કરીને આખા ઘરનું ગુજરાન ચલાવે છે, જેમાં સાયન્સનો ઉચ્ચ અભ્યાસ કરવો પોસાય તેમ હતો. મારા માટે આ યોજના સંજીવની બનીને આવી. હવે હું મારૂ સાયન્સ સ્ટડી કરવાનું લક્ષ્ય પૂર્ણ કરીશ. જેનો મને ખૂબ આનંદ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande