
પાટણ,16 જૂન (હિ.સ.) રાધનપુરમાં 29 વર્ષીય ગૃહણીએ પાડોશી દંપતી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મનીષા દિનેશભાઈ ઠક્કરે પાડોશી તરીકે મિત્રતા કેળવી ફરિયાદીને પોતાના ઘરે બોલાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મનીષા પોતાના પતિ દિનેશભાઈ ઠક્કર સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાને દબાણ કરતી હતી. આ દરમિયાન દિનેશભાઈએ મહિલાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાએ વધુમાં જણાવ્યું કે મનીષાબેને ધમકી આપી હતી કે જો આ અંગે કોઈને જાણ કરશે તો તેના ચારિત્ર્યને બદનામ કરવામાં આવશે તેમજ તેના પતિને જાણ કરીને તેને ઘરેથી કાઢી મૂકવામાં આવશે. આ રીતે આરોપી મહિલાએ ગુનામાં મદદગારી કરી હોવાનો પણ આક્ષેપ છે.
ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(એમ), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ