
પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં ખરીફ સિઝનના મુખ્ય રોકડિયા પાક બીટી કપાસના વાવેતરને વેગ મળ્યો છે. કૃષિ વિભાગના આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં 14,101 હેક્ટર વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર પૂર્ણ થયું છે. સિંચાઈની સુવિધા ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ચોમાસા પહેલાં જ મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે.
ગત વર્ષે 16 જૂન સુધી માત્ર 2,045 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે એ જ સમયગાળામાં 14,101 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. પાટણ, હારીજ, શંખેશ્વર, સમી, સાંતલપુર, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર તાલુકાઓમાં વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જ્યાં કેનાલ, બોરવેલ અને અન્ય સિંચાઈના સાધનો ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતો વાવેતર પૂર્ણ કરી રહ્યા છે, જ્યારે વરસાદ આધારિત વિસ્તારોમાં ખેડૂતો પ્રથમ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરતાં ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.
ગત ખરીફ સિઝનમાં જિલ્લામાં 22,206 હેક્ટર વિસ્તારમાં બીટી કપાસ અને 21,670 હેક્ટર વિસ્તારમાં દેશી કપાસનું વાવેતર થયું હતું. આ વર્ષે પણ અનુકૂળ હવામાન અને સારા બજારભાવની આશાએ ખેડૂતો કપાસની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે, જ્યારે અન્ય ખરીફ પાકોના વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ