
બોટાદ, 16 જૂન (હિ.સ.) બોટાદ તાલુકાના લાઠીદડ ગામે આવેલી કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિર અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં લાઠીદડ, ભાંભણ અને લાખેણી જિલ્લા પંચાયત સીટના સમાવિષ્ટ કુલ 21 ગામોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને જરૂરી પ્રમાણપત્રો, દસ્તાવેજો તથા કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, વૃદ્ધ સહાય, વિધવા સહાય, રેશનકાર્ડ, આરોગ્ય યોજનાઓ સહિતની અનેક સેવાઓ અંગે માર્ગદર્શન અને અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જનકલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકારની સેવાઓને લોકોના ઘરઆંગણે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA