750 વર્ષ જૂના વિમળેશ્વર મહાદેવ મંદિરે IoT ટેકનોલોજીથી થયો સૂર્યતિલક
વડોદરા,16 જૂન (હિ.સ.) આધ્યાત્મિકતા અને આધુનિક વિજ્ઞાનના અનોખા સમન્વયનું પ્રેરણાદાયક ઉદાહરણ આજે ભાયલી ગામ ખાતે આવેલા આશરે 750 વર્ષ જૂના વિમળેશ્વર સ્વયંભૂ શિવલિંગ મહાદેવ મંદિરે જોવા મળ્યું. મંદિર ટ્રસ્ટી મંડળના સહયોગથી ભાયલી ગામના વતની, સંશોધક અને ઇ
મંદિર


મંદિર


વડોદરા,16 જૂન (હિ.સ.) આધ્યાત્મિકતા અને આધુનિક વિજ્ઞાનના અનોખા સમન્વયનું પ્રેરણાદાયક ઉદાહરણ આજે ભાયલી ગામ ખાતે આવેલા આશરે 750 વર્ષ જૂના વિમળેશ્વર સ્વયંભૂ શિવલિંગ મહાદેવ મંદિરે જોવા મળ્યું. મંદિર ટ્રસ્ટી મંડળના સહયોગથી ભાયલી ગામના વતની, સંશોધક અને ઇનોવેટર મિથિલેશ પટેલ દ્વારા IoT (Internet of Things) આધારિત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહાદેવના શિવલિંગ પર સફળતાપૂર્વક સૂર્યતિલક કરવામાં આવ્યો.

મંદિરના ગર્ભગૃહમાં કુદરતી રીતે સીધો સૂર્યપ્રકાશ પહોંચતો ન હોવા છતાં ભૌતિકશાસ્ત્રના પ્રકાશ પરાવર્તન (Light Reflection) સિદ્ધાંત, મોટર્સ, મિરર, સેન્સર્સ, માઇક્રોકન્ટ્રોલર અને IoT ટેકનોલોજીના સંકલન દ્વારા સૂર્યપ્રકાશને ચોક્કસ દિશામાં માર્ગદર્શન આપી શિવલિંગ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા મંદિરના ઐતિહાસિક અને ધાર્મિક માળખાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના સંપન્ન કરવામાં આવી હતી.

આ પ્રસંગ માટે પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ મુહૂર્તની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મિથિલેશ પટેલે જણાવ્યું કે આ પ્રયોગનો મુખ્ય હેતુ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુવાનો અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને આધ્યાત્મિકતા વચ્ચેનો સેતુ સમજાવવાનો પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે Physics, Electronics, IoT અને Automation જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુવાનો નવીન સંશોધન, સામાજિક ઉપયોગી શોધો અને સફળ સ્ટાર્ટઅપ્સ વિકસાવી શકે છે.

મિથિલેશ પટેલના જણાવ્યા અનુસાર આ IoT આધારિત સૂર્યતિલક સિસ્ટમ વિશ્વના મંદિરોમાં પોતાની જાતની પ્રથમ (First-of-its-Kind) ટેકનોલોજી તરીકે ઉભરી રહી છે. આ પ્રયોગ ભારતના અયોધ્યામાં આવેલા શ્રી રામ મંદિર સહિત અન્ય મંદિરોમાં ઉપયોગમાં લેવાયેલી પરંપરાગત અથવા સ્થિર (Fixed) સૂર્યતિલક વ્યવસ્થાથી અલગ છે. વર્તમાન સિસ્ટમ સંપૂર્ણપણે IoT આધારિત, ઓટોમેટેડ અને રિમોટલી સંચાલિત છે, જેના કારણે તેને કોઈપણ મંદિરના ઐતિહાસિક માળખામાં ફેરફાર કર્યા વિના સ્થાપિત કરી શકાય છે.

આ ટેકનોલોજીના વિકાસ દરમિયાન સૂર્યપ્રકાશની તીવ્રતા (Solar Intensity), પ્રકાશ વિશ્લેષણ (Light Analytics) તથા સિસ્ટમની કાર્યક્ષમતાના અભ્યાસ માટે જીતેન્દ્ર યાદવની વિશેષ તકનીકી મદદ અને માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. તેમના સહયોગથી સૂર્યપ્રકાશના તીવ્રતા અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ કરી સમગ્ર સિસ્ટમને વધુ ચોક્કસ અને વિશ્વસનીય બનાવવામાં સફળતા મળી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રકાશ પરાવર્તન આધારિત આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં બેઝમેન્ટ, ભૂગર્ભ માળખાં અને કુદરતી પ્રકાશથી વંચિત વિસ્તારોમાં સૂર્યપ્રકાશ પહોંચાડવા માટે થઈ શકે છે. જેના પરિણામે વીજળીના વપરાશમાં ઘટાડો, ઊર્જા બચત અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો શક્ય બને છે. આ દિશામાં કાર્ય કરીને યુવાનો સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ્સ વિકસાવી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

સ્થાનિક આગેવાનો ડિમ્પલ પટેલ (મામા),મહેન્દ્ર પટેલ મંદિર ટ્રસ્ટી મંડળના સભ્યો રોહિત પટેલ,દીપલ પટેલ,જીજ્ઞેશ પટેલ થતા વિદ્યાર્થીઓ, સંશોધકો તથા ઉપસ્થિત મહાનુભાવોએ આ અનોખા પ્રયોગને આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક નવાચારનું ઉત્તમ ઉદાહરણ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી હતી. ભાયલીના ઐતિહાસિક વિમળેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ કાર્યક્રમ પરંપરા, વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વયનું પ્રેરણાદાયક પ્રતીક બની રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande