
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે આજે વન વિભાગ દ્વારા એક માદા દીપડાનું સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર વિરોદર ગામ ખાતે પ્રવીણભાઈ ની માલિકીની વાડી વિસ્તારમાં દીપડો હોવાની જાણ થતા સુત્રાપાડા રાઉન્ડના વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી અંદાજે 5 થી 9 વર્ષ વયની એક માદા દીપડાને સુરક્ષિત રીતે કબ્જે કરી રેસ્ક્યુ કર્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમજ કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજા સર્જાઈ નહોતી.
રેસ્ક્યુ કરાયેલ માદા દીપડાને પ્રાથમિક તપાસ અને જરૂરી સારવાર માટે અમરાપુર સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડાની તબિયત અંગે નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર કામગીરીમાં સુત્રાપાડા રાઉન્ડનો વન વિભાગનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. વન વિભાગે ગ્રામજનોને જંગલી પ્રાણીઓ દેખાય તો ગભરાવા કે તેમને હેરાન ન કરવા તેમજ તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ