
બોટાદ, 16 જૂન (હિ.સ.) આધુનિક જીવનશૈલીમાં મેદસ્વિતા એક ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે. અનિયમિત ખાણી-પીણી, જંકફૂડનું વધતું સેવન, શારીરિક શ્રમનો અભાવ અને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થાય છે. મેદસ્વિતા માત્ર દેખાવને અસર કરતી નથી, પરંતુ ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ અને અન્ય અનેક અસંચારી રોગોનું જોખમ પણ વધારે છે. આવા સમયમાં આયુર્વેદમાં વર્ણવાયેલ ત્રિફળા કુદરતી અને અસરકારક ઉપાય તરીકે મહત્વ ધરાવે છે.
ત્રિફળા હરડે, બહેડા અને આમળા જેવા ત્રણ ઔષધીય ફળોના સંયોજનથી બને છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો ચરકસંહિતા અને સુશ્રુતસંહિતામાં ત્રિફળાના અનેક આરોગ્યલક્ષી ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરડે વાતદોષ, બહેડા કફદોષ અને આમળા પિત્તદોષને સંતુલિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ ત્રણેય ફળોનું સંયોજન પાચનતંત્રને મજબૂત બનાવી શરીરની આંતરિક શુદ્ધિ કરવામાં સહાયક બને છે.
ત્રિફળાનું નિયમિત અને યોગ્ય પ્રમાણમાં સેવન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રિફળાના ઉકાળામાં મધ ભેળવીને પીવાથી પાચનક્રિયા સુધરે છે, મેટાબોલિઝમ સક્રિય બને છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. ઉપરાંત, તે કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપી શરીરને હળવાશનો અનુભવ કરાવે છે.
ત્રિફળા માત્ર વજન નિયંત્રણ પૂરતું મર્યાદિત નથી. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, શરીરને સ્વસ્થ રાખવામાં અને સમગ્ર આરોગ્ય સુધારવામાં મદદરૂપ બને છે. જોકે, માત્ર ત્રિફળાના સેવનથી જ વજન ઘટી શકે નહીં. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી સાથે ત્રિફળાનું સંયમિત સેવન કરવામાં આવે તો તેના વધુ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આયુર્વેદનું આ અમૂલ્ય વરદાન આજે પણ સ્વસ્થ જીવન માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA