
વોશિંગ્ટન, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે એર ફોર્સનું બી-52 બોમ્બર ઉડાન ભર્યા બાદ તરત જ ક્રેશ થયું. આ હવાઈ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. ક્રેશનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. બી-52 બોમ્બર એડવર્ડ્સ એર ફોર્સ બેસ પરથી રૂટીન ટેસ્ટ મિશન પર નીકળ્યું હતું. આ દુર્ઘટનાની માહિતી સ્થાનિક સમયાનુસાર સવારે લગભગ 11:20 વાગ્યે મળી હતી.
એબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, એર ફોર્સનું બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. તેમાં આઠ લોકોના મોત થયા. બેઝ પર હાજર 412મા ટેસ્ટ વિંગના ડેપ્યુટી કમાન્ડર કર્નલ જેમ્સ હેસે ફૂટેજની સમીક્ષા બાદ કહ્યું કે, આ ક્રેશમાં કોઈના પણ બચવાની કોઈ આશા નથી. તેમણે તેને એક ભયાનક ત્રાસદી ગણાવી.
ડેપ્યુટી કમાન્ડર કર્નલ જેમ્સ હેસે કહ્યું કે, અમે આઠ ઉત્તમ અમેરિકનોને ગુમાવ્યા છે. ક્રૂમાં વર્દીધારી સૈનિકો, સરકારી કર્મચારીઓ અને સરકારી કોન્ટ્રાક્ટર સામેલ હતા. વિમાનમાં સવાર લોકોના નામ તેમના પરિવારજનોને જાણ કર્યા પછી 24 કલાક બાદ જાહેર કરવામાં આવશે.
બોઇંગે સોમવારે સાંજે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલાં લોકોમાંથી બે આ મોટી એરોસ્પેસ કંપનીના કર્મચારીઓ હતા. અમે તેમના પરિવારજનોના સંપર્કમાં છીએ અને તેમને શક્ય તમામ મદદ આપી રહ્યા છીએ. બેઝે કહ્યું કે, ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળતી ટીમ સ્થળ પર હાજર છે. અધિકારીઓ તમામ કર્મચારીઓનો પતો લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હેસના અનુસાર, દુર્ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે અને આ પ્રક્રિયામાં ઘણા મહિના લાગી શકે છે. બેઝ પર દિવસમાં અનેક વખત ટેસ્ટ મિશન થાય છે. બેઝે એરફિલ્ડ બંધ કરી દીધું છે અને કહ્યું છે કે, આવતાં તમામ વિમાનોનો માર્ગ બદલવામાં આવી રહ્યો છે. હેસે જણાવ્યું કે મંગળવારે તમામ ઓપરેશન્સ રોકી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, એડવર્ડ્સ એર ફોર્સ બેઝ પર નવા અને વિકાસના તબક્કામાં રહેલા એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવે છે.
બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ લાંબા અંતરનો બોમ્બર છે. 1950ના દાયકાથી તે અમેરિકી સેનાની હવાઈ શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. આ એરક્રાફ્ટ પરંપરાગત અને પરમાણુ, બંને પ્રકારના હથિયારો લાંબી અંતર સુધી લઈ જવામાં સક્ષમ છે અને વિયેતનામથી લઈને ઈરાન યુદ્ધ સુધીના સંઘર્ષોમાં તેનો ઉપયોગ થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ