
વાપી,16 જૂન (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ વાપી ખાતે બનેલા ફેટલ હિટ એન્ડ રન અકસ્માતના અનડિટેક્ટ ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને વાહન સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત 1 જૂન, 2026ના રોજ વાપી જૂના ફાટક રોડ પર બલીઠા ફોરેસ્ટ ઓફિસ સામે રાત્રિના સમયે અજાણ્યા કારચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારી એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો હેઠળ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 134, 177 અને 184 મુજબ ગુનો નોંધાયો હતો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિનું મોત થતાં કેસ ફેટલ અકસ્માતમાં પરિવર્તિત થયો હતો.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી.ધનેશા અને તેમની ટીમે ઘટનાસ્થળ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કાળા રંગની હ્યુન્ડાઇ એક્સેન્ટ કાર શંકાના ઘેરામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી રોયસ્ટોન આલ્બર્ટ ડી’સૌઝ (ઉંમર 27), રહે. હરીયા પાર્ક, ડુંગરા રોડ, વાપીને હરીયા પાર્ક વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાળા રંગની હ્યુન્ડાઇ એક્સેન્ટ કાર નં. DD-03-H-1434 પણ કબજે લીધી છે.
આરોપી અને જપ્ત કરાયેલ વાહનને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલ આરોપી:રોયસ્ટોન આલ્બર્ટ ડી’સૌઝ (ઉં. 27), રહે. હરીયા પાર્ક, ડુંગરા રોડ, વાપી, જિલ્લો વલસાડ.
ડીટેક્ટ થયેલ ગુનો:વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11200005260059/2026, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125(એ), 125(બી), 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 134, 177 અને 184 મુજબ.
એલસીબી વલસાડ અને વાપી ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરીથી ફેટલ હિટ એન્ડ રન કેસનો ઝડપી ભેદ ઉકેલાતા પોલીસની કામગીરીને નોંધપાત્ર સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha