
વાપી, 16 જૂન (હિ.સ.) વાપીની જાણીતી બાયર કંપનીમાં ન્યૂનતમ વેતનના મુદ્દે મજૂરોએ હડતાળ શરૂ કરતા ઔદ્યોગિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. મજૂરોનો આક્ષેપ છે કે તેમને સરકાર દ્વારા નિર્ધારિત ન્યૂનતમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી, જેના કારણે તેઓએ કામકાજ બંધ કરીને વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
હડતાળ દરમિયાન મોટી સંખ્યામાં મજૂરો કંપની પરિસરની બહાર એકત્રિત થયા હતા અને કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. મજૂરોનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હાલ મળતા વેતનથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેથી ન્યૂનતમ વેતનના નિયમોનું પાલન કરીને યોગ્ય વેતન ચૂકવવાની તેમની મુખ્ય માંગ છે.
મજૂરોના આંદોલનને કારણે, કંપનીના દૈનિક ઉત્પાદન કાર્ય પર પણ અસર પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક વિભાગોમાં કામગીરી ધીમી પડી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ મુદ્દે કંપની મેનેજમેન્ટ તરફથી, હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, બંને પક્ષો વચ્ચે ચર્ચા અને સમાધાન માટે પ્રયાસો શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર મામલે, મજૂરો અને મેનેજમેન્ટ વચ્ચેના આગામી વાટાઘાટો પર સૌની નજર મંડાઈ છે. હવે જોવાનું રહ્યું કે મજૂરોની માંગણીઓ અંગે શું નિર્ણય લેવાય છે અને આ વિવાદનો ઉકેલ ક્યારે આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha