
નવસારી, 16 જૂન (હિ.સ.): નવસારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના ચાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને ગુનાઓ ઉકેલવામાં નોંધપાત્ર સફળતા બદલ રાજ્યસ્તરીય ‘ઈ-ગુજકોપ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિકે આ ટીમને સન્માન આપતાં તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.
LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે ખૂન, ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાંથી શોધી કાઢ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ રૂ. 8.84 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.
ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ટીમે ઈ-ગુજકોપ એપ્લિકેશન, ICJS પોર્ટલ, પોલીસ અને પ્રિઝન સર્ચ સિસ્ટમ, CCTV ફૂટેજ તથા CDR વિશ્લેષણ સહિતના ડિજિટલ સાધનોનો ઉપયોગ કર્યો હતો. ટેક્નોલોજી અને માનવ ગુપ્ત માહિતીના સંયોજનથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
આ ઓપરેશનથી સેલવાસ, મધ્ય પ્રદેશ, સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં નોંધાયેલા કુલ 14 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. સાથે જ 11 નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. સન્માન મેળવનાર ટીમમાં PI વિરાજ જાડેજા, ASI લલીતભાઈ અશોકભાઈ, ASI સુનિલ સિંહ અને આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈનો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે