
અમદાવાદ,16 જૂન (હિ.સ.) ગુજરાત રાજ્યમાં સોમવારે હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી અને બફારો નોંધાયો હતો. આગામી સાત દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં.આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
ચોમાસું ખેચાઈ જવાન લીધે અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ભારે ગરમીના કારણે પાકને નુકસાન થતાં સ્થાનિક શાકભાજીની આવક ઘટી છે, જેની સીધી અસર હેઠળ બજારમાં ભાવ ઊંચકાયા છે.
27 મેની સરખામણીએ હાલ શાકભાજીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં માંગની સરખામણીએ પુરવઠો ઓછો હોવાથી ગવાર, ટિંડોળા, કારેલા, ચોળી અને વટાણા જેવા લીલા શાકભાજીના ભાવમાં ખાસ તેજી નોંધાઈ છે.
સ્થાનિક ઉત્પાદન ઘટતાં હવે અમદાવાદનો આધાર બહારના રાજ્યો પર વધુ પડતો થઈ ગયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાંથી શાકભાજી મંગાવવામાં આવી રહી છે. બહારના રાજ્યોમાંથી આવતી શાકભાજી પર પરિવહન ખર્ચ વધ્યો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચનો બોજ અંતે ગ્રાહકો પર પડી રહ્યો છે. શાકભાજીના વધતા ભાવથી ગૃહિણીઓનું ઘરેલું બજેટ ખોરવાઈ ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ