
અમદાવાદ, 17 જૂન (હિ.સ.) : દિલ્હીના હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ આપવામાં આવી હતી.
અમદાવાદના ફાયર વિભાગે ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરનારી હોટલો સામે કાર્યવાહી શરૂ કરી છે. વિભાગે છ હોટલ સીલ કરી દીધી છે.
થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સીલ કરવામાં આવેલી હોટલમાં એસજી હાઇવે સ્થિત હોટેલ રુદ્ર, હોટેલ 4 ફૂડ અને હોટેલ કેપટાઉનનો સમાવેશ થાય છે. બોડકદેવ વિસ્તારની એપોલો હોટલ અને હોટેલ ગ્રાન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. વસ્ત્રાપુર ગુરુકુલ રોડ પર આવેલી હોટેલ લેક ઇનને પણ સીલ કરવામાં આવી છે.
થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટેલને સીલ કરાઈ:ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ ફટકારાઈ હતી,
ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસ આપી હતી જેમાં 7 દિવસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હોટેલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર જોખમ નિવારણ, જીવન સુરક્ષા, કાયદાકીય પાલન,વિજિલન્સ ચેકિંગ અને અમલવારી અંતર્ગત ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલીક હોટલોમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી, રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ હતો. એલપીજી ગેસ પાઇપલાઇન લીકેજ હતી.
અલગ અલગ હોટલોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમમાં ખામીથી લઈને બિલ્ડીંગમાં રહેલી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસની સમય મર્યાદા સાથેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જણાવ્યું હતું.
જોકે કેટલીક હોટેલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટેલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
“ફાયર સેફ અમદાવાદ” અભિયાન અંતર્ગત તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, બેન્ક્વેટ હોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોએ અગ્નિ સુરક્ષા કાયદા, NBC Part-4, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી માપદંડો તથા AMCની સૂચનાઓનું કડક પાલન કરવું જરૂરી છે. જાહેર સુરક્ષા સર્વોપરી છે અને ગંભીર ઉલ્લંઘન સામે સીલિંગ, દંડાત્મક કાર્યવાહી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ