

પાટણ, 17 જૂન (હિ.સ.) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે પાટણની વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ યોગ શિબિર તથા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આયોજિત થયો હતો.
શિબિરમાં પાટણના સાંસદ ભરત ડાભી, રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ નગરપાલિકાના હોદ્દેદારો, સ્થાનિક કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ અને યોગ ટ્રેનરોની હાજરીમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને ષટ્કર્મ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શીશપાલે જણાવ્યું હતું કે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. તેમણે નાગરિકોને નિયમિત યોગ અપનાવી નિરોગી જીવન જીવવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
શિબિરનો મુખ્ય હેતુ નાગરિકોને યોગનું જ્ઞાન અને કૌશલ્ય દૈનિક જીવનમાં અપનાવવા પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સલામત અને અસરકારક યોગાભ્યાસ અંગે માહિતી આપવામાં આવી હતી. અંતે એક્ટિવ ગ્રૂપ-પાટણ દ્વારા ઉપસ્થિતો માટે લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ