કદવાલના આંબાખૂટ ગામે કૌટુંબિક ડખ્ખો: પૌત્રને લઈ જવા બાબતે વેવાઈએ કૌટુંબિક ભાઈ સાથે મળી વેવાઈ પર બેટથી હુમલો કર્યો, મહિલાની લાજ લેવાનો પ્રયાસ
છોટાઉદેપુર ,17 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના આંબાખૂટ ગામે પૌત્રને પોતાના ઘરે લઈ જવા બાબતે થયેલી તકરારમાં વેવાઈ અને તેના સંબંધીએ મળી વૃદ્ધ પર ક્રિકેટના બેટ વડે જીવલેણ હુમલો કરી ફ્રેક્ચર કરી દીધું હોવાની અને વચ્ચે બચાવવા પડેલા મહિ
કદવાલના આંબાખૂટ ગામે કૌટુંબિક ડખ્ખો: પૌત્રને લઈ જવા બાબતે વેવાઈએ કૌટુંબિક ભાઈ સાથે મળી વેવાઈ પર બેટથી હુમલો કર્યો, મહિલાની લાજ લેવાનો પ્રયાસ


છોટાઉદેપુર ,17 જૂન (હિ.સ.) છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના આંબાખૂટ ગામે પૌત્રને પોતાના ઘરે લઈ જવા બાબતે થયેલી તકરારમાં વેવાઈ અને તેના સંબંધીએ મળી વૃદ્ધ પર ક્રિકેટના બેટ વડે જીવલેણ હુમલો કરી ફ્રેક્ચર કરી દીધું હોવાની અને વચ્ચે બચાવવા પડેલા મહિલા વેવાણને ઘરમાં ખેંચી જઈ લાજ લેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ કદવાલ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આંબાખૂટ ટાંકી ફળિયામાં રહેતા 51 વર્ષીય ચંપા અરવિંદભાઈ રાઠવા ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના નાના દીકરા જગદીશભાઈના લગ્ન કુંડલ ગામે રહેતા શંકર મળીયાભાઈ રાઠવાની દીકરી મનિષાબેન સાથે થયા હતા. જોકે, સામાજિક રીતિ-રિવાજ મુજબ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને તેમનો 5 વર્ષનો દીકરો વિશ્વરાજ દાદા-દાદી સાથે રહેતો હતો.

૧૬ તારીખના સવારે આશરે 9 વાગ્યાના સુમારે ચંપાબેનના વેવાઈ શંકર મળીયાભાઈ રાઠવા તથા તેમના કૌટુંબિક ઉદેસિંગ મનસુખભાઈ રાઠવા બાઇક લઈને આંબાખૂટ આવ્યા હતા. શંકરભાઈએ પૌત્ર વિશ્વરાજને પોતાની સાથે લઈ જવાની જિદ્દ કરી હતી. પરંતુ બાળકે દાદા સાથે જવાની ના પાડતા ચંપાબેને વેવાઈને બાળકને અત્યારે ન લઈ જવા જણાવ્યું હતું.

બાળક સાથે ન આવતા ઉશ્કેરાયેલા શંકરભાઈએ તમે બાળક ઉપર મેલી વિધ્યા કરી છે તેમ કહી ઘરની બહાર પડેલું ક્રિકેટ રમવાનું લાકડાનું બેટ ઉઠાવી લીધું હતું. આ વખતે ઉદેસિંગભાઈએ ચંપાબેનના પતિ અરવિંદભાઈને પકડી રાખ્યા હતા અને શંકરભાઈએ બેટ વડે તેમના ડાબા હાથ, ડાબા પગ અને બરડાના ભાગે આડેધડ ફટકા મારવાનું શરૂ કર્યું હતું. ગંભીર હુમલાના કારણે અરવિંદભાઈ લોહીલુહાણ થઈને આંગણામાં જ બેભાન જેવા થઈ ઢળી પડ્યા હતા

પતિને બચાવવા વચ્ચે પડેલા ચંપાબેનને હડસેલો મારી, શંકરભાઈ તેમને ઘરમાં ખેંચી ગયા હતા અને અંદરથી દરવાજાની સ્ટોપર મારી દીધી હતી. ચંપાબેનની આબરૂ લેવાના ઈરાદાથી તેમની સાડી ખેંચી કાઢી, જમીન પર ઢસડી ને ગડદાપાટુનો માર માર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી દરવાજો ખોલી બહાર નીકળી ગયા હતા અને જો છોકરાને નહીં સોંપો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી બેટ સાથે બાઇક પર ફરાર થઈ ગયા હતા.

બૂમાબૂમ થતાં આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને ચંપાબેનના દીકરાને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક કદવાલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું જણાતા વધુ સારવાર માટે બોડેલી સરકારી દવાખાનામાં રીફર કરાયા છે.

આ ચકચારી બનાવ અંગે કદવાલ પોલીસે ચંપાબેનની ફરિયાદના આધારે શંકર રાઠવા અને ઉદેસિંગ રાઠવા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande