
ઢાકા, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) બાંગ્લાદેશની તારીક રહમાન સરકાર, રેપિડ એક્શન બટાલિયન (આરએબી)ને ખતમ કરવા જઈ રહી છે. ગૃહ મંત્રાલયના ડ્રાફ્ટ મુજબ, આરએબીના સ્થાને નવા દળનું ગઠન કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, 2004માં રચાયેલી રેપિડ એક્શન બટાલિયન દેશનું વિશિષ્ટ અર્ધસૈનિક દળ છે. તેની મુખ્ય જવાબદારી બાંગ્લાદેશમાં આંતરિક સુરક્ષા જાળવવી, ઉગ્રવાદને દબાવવો અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાની છે.
ઢાકા ટ્રિબ્યૂન અખબારના અહેવાલ મુજબ, આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, પ્રસ્તાવિત માળખા હેઠળ નવું દળ આરએબીના કર્મચારીઓ, સંપત્તિઓ અને ચાલુ કામગીરીની જવાબદારી સંભાળશે. નવા દળનું નામ સ્પેશિયલ રિસ્પોન્સ બટાલિયન (એસઆરબી) અથવા પીપલ્સ પ્રોટેક્શન ફોર્સેજ (પીપીએફ) પૈકી કોઈ એક હોઈ શકે છે. ગૃહ મંત્રાલય અનુસાર, આ માટે નવો કાયદો લાવીને આરએબીને ખતમ કરી તેની સમગ્ર રચનાને નવા દળમાં સમાવી દેવામાં આવશે.
ગૃહ મંત્રાલયના ડ્રાફ્ટની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે, નવા દળમાં સમાવવામાં આવનારા આરએબીના કર્મચારીઓ અને અધિકારીઓની સેવાની શરતો યથાવત્ રહેશે. નવા કાયદાનો હેતુ બાંગ્લાદેશ પોલીસ હેઠળ એક વિશેષ સહાયક દળ બનાવી આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવાનો અને આરએબીનો અંત લાવવાનો છે. નવા દળના સભ્યો પાસે કોઈ સ્થળમાં પ્રવેશ કરવાનો, તલાશી લેવાનો, શંકાસ્પદોને કસ્ટડીમાં લેવા અને ધરપકડ કરવાનો અધિકાર રહેશે. પરંતુ તેની લેખિત જાણકારી સંબંધિત થાણાઓને આપવી પડશે.
આરએબી પર માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો છે. યુનાઇટેડ સ્ટેટ્સે 2021માં માનવાધિકારોના કથિત ઉલ્લંઘન બદલ દળના સાત વર્તમાન અને પૂર્વ અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈમાં થયેલા મોટા બળવાખોરી બાદ બળજબરીથી ગાયબ કરાયેલા લોકોની તપાસ માટે રચાયેલા આયોગે પણ આ દળને ખતમ કરવાની ભલામણ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રસ્તાવિત સુધારાનો હેતુ માત્ર દળનું નામ બદલવાનો નથી, પરંતુ વધુ જવાબદાર અને અધિકારો પ્રત્યે સંવેદનશીલ સ્પેશિયલ યુનિટ બનાવવાનો છે.
હ્યુમન રાઈટ્સ એન્ડ પીસ ફોર બાંગ્લાદેશના અધ્યક્ષ એડવોકેટ મંજિલ મુર્શિદે જણાવ્યું કે, દળનું નામ બદલવા કરતાં વધુ જરૂરી જવાબદારી સુનિશ્ચિત કરવી છે. તેમણે કહ્યું કે આરએબીમાં અનુભવી લોકો છે. દળમાં ઓપરેશનલ ક્ષમતા છે. સુધારાઓનો ફોકસ ખોટું કામ કરનારાઓને સજા અપાવવાની સાથે-સાથે દેખરેખને મજબૂત બનાવવા પર હોવો જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ