
ભાવનગર,17 જૂન (હિ.સ.)ભાવનગર શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક મોટી સફળતા મળી છે. રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ઘોઘા રોડ પર અખિલેશ સર્કલ નજીક દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસને બાતમી મળી હતી કે અખિલેશ સર્કલ પાસે આવેલા નટરાજ ફાર્મની બાજુમાં ગોપાલ નમકીનના ગોડાઉન નજીક સફેદ રંગની હ્યુન્ડાઈ I-20 કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી “ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્લી” લખેલી કંપની સીલપેક દારૂની બોટલો મળી આવી હતી.
આ મામલે પોલીસે સતીષભાઈ શામજીભાઈ ગોહેલ, રમેશભાઈ લક્ષ્મણભાઈ જાંબુચા, રાહુલભાઈ અશોકભાઈ સરવૈયા અને નીતેશભાઈ લવજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે હરેશભાઈ ઉર્ફે ભયલું ધનજીભાઈ બારૈયા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
દરોડા દરમિયાન પાર્ટી સ્પેશિયલ ગોલ્ડ પ્રીમિયમ વ્હિસ્કીની 180 એમએલની 480 બોટલો તેમજ ગ્રે વોલ્ફ જામુન એન્ડ મિન્ટ વોડકાની 180 એમએલની 960 બોટલો મળી કુલ 1,440 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો હતો. દારૂની કિંમત રૂ. 1,48,800 આંકવામાં આવી છે. ઉપરાંત નંબર વગરની હ્યુન્ડાઈ I-20 કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત રૂ. 3 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આમ કુલ રૂ. 4,48,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી
રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA