
દમણ, 17 જૂન (હિ.સ.) ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં ઊંચા મોજા, તીવ્ર પ્રવાહ અને અકસ્માતોની સંભાવનાને ધ્યાનમાં રાખીને દમણ જિલ્લા પ્રશાસને જાહેર સલામતીના હિતમાં મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 ની કલમ 163 હેઠળ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રીમતી આરતી અગ્રવાલે, દમણ જિલ્લાના તમામ બીચ વિસ્તારમાં દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
જારી કરાયેલા આદેશ મુજબ, પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો તેમજ માછીમારોને ચોમાસા દરમિયાન દરિયામાં સ્વિમિંગ, સ્નાન, માછીમારી તેમજ સેલ્ફી કે, ફોટોગ્રાફી માટે પ્રવેશ કરવાની મનાઈ રહેશે. દરિયાકાંઠે વધતા અકસ્માતો અને ડૂબી જવાની ઘટનાઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ પ્રતિબંધ 17 જૂન, 2026 થી 16 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા પ્રશાસને નાગરિકોને આ આદેશનું પાલન કરવા અપીલ કરી છે. આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પ્રશાસને ખાસ કરીને, પ્રવાસીઓ અને યુવાનોને ચોમાસા દરમિયાન દરિયાકાંઠે સાવચેતી રાખવા અને પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha