



પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદરને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ઓળખ અપાવવાના હેતુથી ભારવાડા ગામે વિકસાવવામાં આવનારા વર્લ્ડ ક્લાસ ફર્નિચર પાર્ક માટે તંત્ર દ્વારા બુધવારે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી દ્વારા અગાઉ અનેક વખત નોટિસો પાઠવવા છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા આખરે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ ભારવાડા ગામના સર્વે નંબર 1064 સહિતની સરકારી જમીનો પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવા મામલતદાર કચેરીમાં કેસો દાખલ કરવામાં આવ્યા હતા. કેસોની કાર્યવાહી બાદ દબાણકર્તાઓને નિયમ મુજબ નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં દબાણો યથાવત રહેતા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 600 હેક્ટર જમીન ફર્નિચર પાર્ક અને અન્ય ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવી છે, જેમાંથી અંદાજે 164 હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રકારના દબાણો થયા હોવાનું સામે આવ્યું હતું. કુલ 129 જેટલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે કેટલીક જમીન અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી અને સ્ટે ઓર્ડર અમલમાં હોવાથી તે વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ સ્થગિત રાખવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.મામલતદાર મારૂએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યાં હાઈકોર્ટનો સ્ટે અમલમાં છે તે વિસ્તારોને બાદ રાખીને બાકીની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના આશરે 50 ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. પોરબંદરને ફર્નિચર ઉત્પાદનના મહત્વના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે ભારવાડા ગામની જમીન પસંદ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અમલમાં આવતાં વિસ્તારમાં મોટા પાયે રોકાણ, રોજગારીની તકો અને ઔદ્યોગિક વિકાસના નવા દ્વાર ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.તંત્રના જણાવ્યા મુજબ આશરે 42 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સરકારી જમીનને દબાણમુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya