


વડોદરા, 17 જૂન (હિ.સ.) : વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી સામે એસએમસીને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણથી એક આઇસર ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પાયલોટિંગ સાથે વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો હતો. બાતમીના આધારે એસએમસીની ટીમે અટલાદરા વિસ્તારમાં આવેલા BAPS Swaminarayan Mandir Atladara નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પાનો પીછો કરીને તેને રોકવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ટેમ્પોમાંથી અંદાજે 25 લાખ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પાના ચાલકની અટકાયત કરી હતી. દારૂના જથ્થા ઉપરાંત આઇસર ટેમ્પો સહિત કુલ આશરે 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને મુદ્દામાલને અટલાદરા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ