
સોમનાથ,17 જૂન (હિ.સ.) પ્રાચીન ભારતીય પરંપરાની અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક પર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના હેતુથી ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
યોગિક ક્રિયાના સાર્વત્રિક મહાત્મ્ય માટે 21 જૂનના રોજ સોમનાથ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પૂર્વ તૈયારીઓ માટે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કલેક્ટરએ આઈકોનિક પ્લેસ અને તીર્થસ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળોએ યોગની ઉજવણી થાય અને આ ઉજવણીમાં પણ મોટી સંખ્યામાં લોકો ભાગીદારી નોંધાવે તે માટે સુચારૂ આયોજન કરવા જણાવ્યું હતું.
કલેકટરએ રાજ્યક્ક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી, કાર્યક્રમને અનુરૂપ બેક ડ્રોપ, યોગ ટીચર દ્રારા યોગ નિદર્શન, બેરીકેડિંગ સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવાય જાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે સંબંધિત અધિકારીઓને કરવાની કામગીરી તેમજ કોમન યોગ પ્રોટોકોલ અનુસરી જરૂરી તૈયારીઓ અંગે સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.
યોગ પ્રત્યે નાગરિકો જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરી યોગને પોતાની રોજબરોજની જીવનશૈલીનો ભાગ બનાવે એ હેતુ સાથે વિશ્વ યોગ દિને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોગ કાર્યક્રમો યોજાશે. જે માટે સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
યોગ ફોર હેલ્થી એજિંગ' થીમ પર સોમનાથ મંદિર પરિસર ખાતે 21 જૂનના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ ઉજવણીમાં ધારાસભ્યઓ, જનપ્રતિનિધિ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા-શાળાઓ સહિત જુદાં-જુદાં ક્ષેત્રની ખાનગી સંસ્થાઓ જોડાશે.
જિલ્લાકક્ષાની ઉજવણીની સમાનાંતર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, નગરપાલિકાઓ, સંસ્કૃત યુનિવર્સિટી અને બાગ-બગીચાઓમાં પણ યોગ દિનની ઉજવણી થશે. આ સિવાય, સોમનાથ મંદિર પરિસર અને જિલ્લામાં 6 અન્ય જગ્યાએ પણ યોગ નિદર્શન સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ