12 વર્ષ વિશ્વાસ, વિકાસ, જનકલ્યાણના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું
ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) : વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શનનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. સોમનાથ હાઇવે પર આવેલી આહિર સમાજની વા
વિકાસના, જનકલ્યાણના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ


ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) : વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના 12 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શનનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું.

સોમનાથ હાઇવે પર આવેલી આહિર સમાજની વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ સમાજના દરેક વર્ગની ચિંતા કરીને સુશાસનનો અનુભવ સામાન્ય જનતાને કરાવ્યો છે. આવનારી પેઢી અને વાતાવરણ તંદુરસ્ત રહે તે માટે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પડે તે માટે દેશભરમાં અભિયાન ચલાવી ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે તેમ જણાવી તેમણે જન્મ અને મૃત્યુની વાત કરીને જણાવ્યું હતું કે, જન્મ એ કુદરતની વાત છે, પરંતુ મૃત્યુને નિવારી શકાય તે માટેના પગલાં લેવા તે આપણા હાથની વાત છે.

તેમણે પોતાના ઘરની જ વાત કરી તેમના દાદા ૧૧૪ વર્ષ જીવ્યા હતા, તો તેમના નાના ભાઈ ૧૦૮ વર્ષ જીવ્યા હતા અને અત્યારે વડોદરા ડોડીયા ગામમાં ૧૧૮ વર્ષના માજી જીવિત છે, તેની પાછળ તેમની નિયમિત આહાર-વિહાર શૈલી છે.

તેમણે જણાવ્યું હતું કે, પહેલાંના જમાનામાં સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન, પોતે જ ઉગાડેલું શાકભાજી ખાવું કોઈપણ પ્રકારના મિશ્રણ વગરના દેશી ભોજન સાથેનું સંતોષી જીવન હતું તેના કારણે આપણી એક-બે પેઢી અગાઉના લોકો ૧૦૦ વર્ષ સરળતાથી જીવી શક્યા.

આપણે પૈસાની દોડમાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે, આપણે આપણા પરંપરાગત કૃષિ વ્યવસાયને બદલે ઝડપથી અને વધુ ઉત્પાદન આપતા પાકો લેવા મંડ્યા છીએ, જેને કારણે કેન્સર, કિડની સહિતના રોગોનું સંક્રમણ વધવા લાગ્યું છે.

વડાપ્રધાન મેદસ્વિતા અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક અને પરંપરાગત ખેતી સહિતના અભિયાનો એટલા માટે ચલાવી રહ્યા છે કે, જેના આધારે દેશ પ્રગતિ કરી શકે. યુવાન તંદુરસ્ત હશે તો જ દેશ પ્રગતિ કરી શકશે.

આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે, આપણે એવા પ્રાકૃતિક આહારનું વાવેતર કરીશું કે જેથી આપણને દવા અને દવાખાનાની જરૂર પડે નહીં.

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે હંમેશા ખેડૂત અને ખેતીને પ્રાધાન્ય આપ્યું છે.

સમયના ચક્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ભારત 'સોનાની ચિડિયા' કહેવાતું હતું કારણ કે, ત્યારનો ખેડૂત જે પણ ધનધાન્ય પકવતો હતો તે સોના સરખું હતું. એટલા માટે જ આપણા દેશના ગીતો પણ 'મેરે દેશ કી ધરતી, સોના ઉગલે ઉગલે હીરા મોતી' જેવા ગવાતાં હતાં.

પરંતુ, આધુનિકતાની દોડમાં સમય સાથે પરિવર્તન આવ્યું છે. ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે ભાગિયા આધારિત ખેતી કરતા થયા છે. જેના કારણે ખાનપાન પણ બદલાવા સાથે બીમારીઓ પણ વધતી ચાલી છે. જો આપણે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરીશું તો જ દેશને બચાવી શકીશું તેની વિસ્તૃત સમજ તેમને આપી હતી

તેમણે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યભરના ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સમજ આપી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. વર્ષ ૨૦૪૭ માં દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ મનાવતો હોય ત્યારે સારું ઉત્પાદન અને તંદુરસ્ત ઉત્પાદન થાય તે માટે આપણે સૌ સંકલ્પબધ્ધ થઈએ તે સમયની માંગ છે તેમ તેમને જણાવ્યું હતું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ રાઠોડે પ્રાકૃતિક કૃષિ દ્વારા પાક સંરક્ષણ અને તેની કેળવણીની વાત કરી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે યોજવામાં આવેલા તાલીમ અને નિદર્શન કાર્યક્રમની સમજ આપી હતી.

તેમણે પ્રાકૃતિક કૃષિ એ સમયની માંગ છે તેમ જણાવી જમીનની તંદુરસ્તી જળવાય, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, તે માટે ઘન જીવામૃત બીજામૃત સહિતનો ઉપયોગ કરવા માટે તેમણે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

સારા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે પણ પ્રાકૃતિક કૃષિ જરૂરી છે. સારું સ્વાસ્થ્ય અને સારું પર્યાવરણ જો આપણે જોઈતું હશે તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે તેમની વિભાવના તેમને આ તકે વ્યક્ત કરી હતી.

આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે સ્વાગત પ્રવચન કરી આવનારી પેઢીના તંદુરસ્ત જીવન અને સ્વસ્થ જીવનની ખાતરી માટે પ્રાકૃતિક કૃષિ અપનાવી જ પડશે તેમ જણાવી રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી દૂર રહેવા જણાવી વર્ષ ભર યોજવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમની વિગતો આપી હતી. પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂતોએ આ તકે તેમની સફળતાની વાત રજૂ કરી હતી.

આ તકે વર્ષ ૨૦૨૬-૨૭ના આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ અરજીના મંજૂરી હુકમમાં પાક સંરક્ષણ ગોડાઉન અને તારની વાડ યોજના અરજીના મંજૂરી હુકમ મહાનુભાવોના હસ્તે વિતરિત કરાયાં હતાં.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, ઉપપ્રમુખ હેમીબેન, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, અગ્રણી સર્વ ડૉ.સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, અનિલ જેઠવા તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande