
સુરત, 17 જૂન (હિ.સ.): શહેરનાં પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક પખવાડિયાથી પીવાના પાણીની સમસ્યાને પગલે સેંકડો પરિવારની હાલત કફોડી થવા પામી છે. મહાનગર પાલિકાનાં હાઈડ્રોલિક વિભાગને છાશવારે રજુઆત કરવા છતાં તંત્ર લીકેજની સમસ્યા શોધવામાં ધરાર વામણું પુરવાર થઈ રહ્યું છે. જેને પગલે સ્માર્ટ સિટી સુરતમાં પણ લોકો ટેન્કર દ્વારા પીવાનું પાણી લેવા માટે લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. બીજી તરફ અધિકારીઓ દ્વારા રોજ સવારે આ વિસ્તારમાં આવીને ઠેક ઠેકાણે ખાડાઓ ખોદી કાઢતાં રસ્તા પણ જર્જરિત થઈ ચુક્યા છે જેને પગલે વાહન ચાલકો તો ઠીક રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આગામી ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં તુટેલા રસ્તાઓને કારણે અકસ્માતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વર્ષે દહાડે 11 હજાર કરોડ રૂપિયાનું માતબર બજેટ ધરાવતાં સુરત મહાનગર પાલિકાનું હાઈડ્રોલિક વિભાગની કાર્યદક્ષતા પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. શહેરનાં પાંડેસરા વિસ્તારમાં સંદીપ નગર, શિવમ નગર, સીતારામ નગર અને માહ્યાવંશી મોહલ્લો - ભરવાડ મહોલ્લાની સાથે સાથે ગામતળ વિસ્તારમાં આવતી અસંખ્ય સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણી પુરવઠાની સમસ્યા સર્જાવા પામી છે. ડહોળું અને અપુરતા પ્રમાણમાં પાણી મળવાને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતાં પરિવારજનોની હાલત કફોડી થવા પામી છે. પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાને કારણે પ્લાસ્ટિકની કોથળીઓનાં ટુકડા પણ નીકળી રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા છાશવારે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં તંત્ર કાયમી નિરાકરણ કરવામાં અસમર્થ સાબિત થઈ રહ્યું છે.
સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, હાઈડ્રોલિક વિભાગનાં અધિકારીઓ ફરિયાદ બાદ 10.30 કલાકની આસપાસ તપાસ માટે આવે છે અને દરમિયાન પાણી પુરવઠો બંધ હોવાને કારણે અને લોકો પણ નોકરી - ધંધા માટે નીકળી જતાં હોવાને પગલે તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સિવાય હાઈડ્રોલિક વિભાગ દ્વારા પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધવા માટે સમગ્ર વિસ્તારમાં અલગ - અલગ ઠેકાણે ખાડાઓ ખોદી નાખતા રસ્તાઓ પણ જર્જરિત થઈ ચુક્યા છે. આ સ્થિતિમાં વાહન ચાલકોથી માંડીને રાહદારીઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આગામી ચોમાસાની સિઝનને પગલે આ રસ્તાઓ રીપેરિંગ નહીં કરવામાં આવે તો સમસ્યા વધુ વિકરાળ બની શકે તેમ છે.
સમસ્યાને પગલે ઝાડા ઉલ્ટીનાં કેસોની સંખ્યામાં ઉછાળો-પાંડેસરા ગામતળ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા એક પખવાડિયાથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાને કારણે રહેવાસીઓ નાછૂટકે વેચાતું પાણી લેવા માટે મજબુર બન્યા છે. બીજી તરફ ટેન્કરમાં આવતા પાણીને કારણે પણ લોકોના માથે આર્થિક ભારણ પણ વધુ રહ્યું છે. આ સિવાય આ વિસ્તારમાં નાના બાળકોમાં પણ ઝાડા ઉલ્ટીનાં કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે