
રાંચી, નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) ઝારખંડની રાજધાની રાંચીના ચુટિયા થાણા હેઠળ આવેલા નિવારણપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યાલય પર મંગળવારે મોડી રાત્રે પેટ્રોલ બોમ્બથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ મુજબ, બે ગુનેગારોએ સોસની બોટલમાં પેટ્રોલ ભરીને તેને આરએસએસ કાર્યાલયની અંદર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બંને બોટલો બાઉન્ડ્રી પહેલાં જ પડી જતાં મોટી અનર્થ ટળી ગઈ.
સિટી એસપી પારસ રાણાએ જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ ઘટનામાં બે યુવકો સામેલ છે. તપાસમાં એફએસએલ સહિત અનેક ટીમોને લગાવવામાં આવી છે. હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં બે હુમલાખોરો પેટ્રોલ ભરેલી બોટલો આરએસએસ કાર્યાલય પર ફેંકવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. પહેલી બોટલ ફેંકતી વખતે આગ લાગેલી સૂતળી જમીન પર પડી ગઈ હતી. આ કારણે પ્રયાસ નિષ્ફળ રહ્યો. બીજી બોટલ કાર્યાલયની નજીક પણ પહોંચી નહોતી. તેમણે કહ્યું કે પેટ્રોલ બોમ્બ તૈયાર કરવા માટે ચિલી સોસની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ચર્ચા એવી છે કે આરએસએસ કાર્યાલય પાસે આવેલા એક હોટલના કેટલાક કર્મચારીઓ સમગ્ર મામલે સંદિગ્ધ છે. થોડા દિવસ પહેલા આરએસએસ કાર્યાલયના કેટલાક લોકોએ ગંદકી અને અન્ય કારણોસર હોટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી આ વિવાદ ચાલતો આવ્યો હતો. પોલીસને પણ આશંકા છે કે આ હુમલામાં હોટલના કર્મચારીઓનો હાથ હોઈ શકે છે.
આ ઘટનાની માહિતી મળતાં જ કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ, ભાજપ નેતા બાબુલાલ મરાંડી આરએસએસ ઓફિસ પહોંચ્યા. ભાજપ નેતાઓએ રાજધાનીની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ગુનેગારોની ઝડપથી ઝડપથી ધરપકડ કરવાની માગ કરવામાં આવી. સેઠે કહ્યું કે, આ ઘટના ખૂબ ગંભીર છે. જો હુમલો સફળ થઈ ગયો હોત તો કાર્યાલયના અધિકારીઓ તેની ચપેટમાં આવી શકતાં હતા. મામલાને લઈને ડીજીપી સાથે વાત થઈ છે. તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જેથી ઝડપથી મામલો ખુલાસો થઈ શકે.
તેમણે કહ્યું કે, આ સામાન્ય ઘટના નથી. આ અમારી માતા પર હુમલો છે. જે નિયતથી આ હુમલો કરવામાં આવ્યો છે, પોલીસ-પ્રશાસને તેની નિયત જાણી જોઈએ. તેમણે કહ્યું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક ટેક્સી છે અને સપોર્ટમાં એક મોટરસાઇકલ છે. તેમણે કહ્યું કે, યુવકો એક વાર નહીં, બે વાર આવ્યા છે. એક વાર આવ્યા, પોતાનો ચહેરો છુપાવ્યો, બોમ્બ માર્યો. પછી ચાલ્યા ગયા. પછી પાછા આવ્યા અને બીજો બોમ્બ ફેંક્યો. તેમની યોજના લાંબી હતી. તેમણે કહ્યું કે ઝડપથી ધરપકડ થવી જોઈએ.
ભાજપ વિધાનસભ્ય સીપી સિંહે કહ્યું કે, આ હુમલો માત્ર એક ઓફિસ પર નહીં, પરંતુ તમામ સનાતનિઓ પર હુમલો છે. તેનો રાજ્યસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ