

કચ્છ, 17 જૂન (હિ.સ.) પૂર્વ કચ્છ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ’ અભિયાન હેઠળ ભચાઉ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર અને હેરફેરને નાથવા માટે સતત સતર્ક બનેલી ભચાઉ પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક સંડોવાયેલા શખ્સને શોધવા માટે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ માહિતી અનુસાર ભચાઉના યશોદાધામ વિસ્તારમાં આવેલા રાધેનગર ખાતે એક રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. માહિતીની ગંભીરતા ધ્યાનમાં રાખી ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તાત્કાલિક ટીમ તૈયાર કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો, જેને પગલે ત્યાં હાજર શખ્સને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ ધરણીધર દુર્ગાચરણ રાઉત તરીકે થઈ છે. મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી આ આરોપી હાલ ભચાઉ ખાતે વસવાટ કરતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પોતાના રહેણાંક મકાનમાંથી જ ગાંજાનો વેપાર ચલાવતો હતો. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 10.674 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 5.33 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન તેમજ કેટલાક ઓળખપત્રો અને દસ્તાવેજો પણ કબજે કર્યા છે. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 5.34 લાખ જેટલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાથમિક તપાસ દરમિયાન આ ગેરકાયદેસર ધંધામાં અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે. કાલુભાઈ નામનો આ શખ્સ ઓડિશાના જગન્નાથ પુરી નજીક આવેલા નિમાપરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તે ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશાના નેટવર્ક સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ છે, જેનાથી વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar