
કચ્છ, 17 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં પ્રતિબંધિત વિદેશી દારૂના વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલા અભિયાનને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રૂ. 79.52 લાખના પ્રતિબંધિત વિદેશી દારૂના જથ્થા સાથે સંકળાયેલા ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પૂર્વ કચ્છે નવ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કૌભાંડના અનેક પાસાઓ ખુલ્લા પાડ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ જ અભિયાન અંતર્ગત એલસીબી દ્વારા થોડા દિવસો અગાઉ દુધઈ વિસ્તારથી રૂ. 79,52,400 કિંમતનો પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે દુધઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ મુખ્ય આરોપીઓ અને તેમના સાગરિતો ફરાર થઈ ગયા હતા. જેના પગલે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના નેતૃત્વમાં અલગ-અલગ તપાસ ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા અન્ય સૂત્રોની મદદથી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન માત્ર એફઆઈઆરમાં દર્શાવાયેલા આરોપીઓ જ નહીં પરંતુ અન્ય કેટલાક વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવી હતી. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન શોધખોળ ચલાવી કુલ નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલાક આરોપીઓ દારૂના જથ્થાના પરિવહન, કેટલાક કટીંગ અને વિતરણની વ્યવસ્થા તેમજ કેટલાક મજૂરો ઉપલબ્ધ કરાવવાની ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં ગળપાદર, અંજાર તેમજ કચ્છમાં રહેતા અને મૂળ રાજસ્થાન, બિહાર તથા ઉત્તર પ્રદેશના રહેવાસીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછમાં દારૂના જથ્થાના સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો અને અન્ય સંકળાયેલા લોકો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે.
તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન મળેલી વિગતોના આધારે સમગ્ર નેટવર્કના અન્ય સંભવિત આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો દોર યથાવત રાખવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ માત્ર દારૂનો જથ્થો ઝડપવાનો કેસ નથી, પરંતુ તેની પાછળ કાર્યરત સમગ્ર ગેરકાયદેસર સાંકળને તોડી પાડવાનો પ્રયાસ છે. એલસીબીની ટીમ દ્વારા હજુ પણ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તથા મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ સમગ્ર કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar