કચ્છમાં ખનિજ માફિયાઓ સામે તંત્રનો કડક પ્રહાર: 40 લાખનું એસ્કેવેટર જપ્ત
કચ્છ, 17 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વધતી ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખનિજચોરીમાં સંકળાયેલા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ જ
નુંધાતડ ગામે થી કબ્જે કરાયેલ એક્સવેટર મશીન


કચ્છ, 17 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લામાં વધતી ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખનિજચોરીમાં સંકળાયેલા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની ટીમે અબડાસા તાલુકાના નુંધાતડ ગામમાં આજે એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરી ખનિજ ચોરીમાં વપરાતું આશરે 40 લાખ રૂપિયાનું એસ્કેવેટર મશીન જપ્ત કરવામાં સફળતા મેળવી છે.

મળેલી ગુપ્ત બાતમીના આધારે ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમે આજે નુંધાતડ ગામ તરફ કૂચ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ખનિજચોરીમાં સંકળાયેલા તત્વોએ ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોતાની નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી, જેથી કોઈ સરકારી અથવા ખાનગી વાહન ગામમાં પ્રવેશે તો તેની તરત જાણ થઈ શકે. પરિણામે તપાસ ટીમ ગામમાં પહોંચી હોવાની માહિતી આરોપીઓ સુધી પહોંચી જતા તેઓએ ચોરી માટે ઉપયોગમાં લેવાતું એસ્કેવેટર મશીન તાત્કાલિક સ્થળ પરથી ખસેડી અન્ય જગ્યાએ સંતાડી દીધું અને પોતે ફરાર થઈ ગયા હતા.

જોકે, આરોપીઓના આ પ્રયાસો છતાં તપાસ અધિકારીઓએ હિંમત હાર્યા વગર સમગ્ર વિસ્તારમાં સતત શોધખોળ ચાલુ રાખી હતી. મશીનની ચેનના નિશાનો અને અન્ય તકનીકી માહિતીના આધારે ટીમે આખરે એસ્કેવેટર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ તપાસને પ્રભાવિત કરવા તેમજ ટીમને સ્થળ છોડવા માટે વિવિધ પ્રકારના દબાણો ઉભા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ અધિકારીઓ પોતાની કામગીરીમાં અડગ રહ્યા હતા. સમગ્ર સર્ચ ઓપરેશન બાદ ખાનગી મિકેનિકની મદદથી મશીનને અનલોક કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યું હતું. હાલ મશીનને સીઝ કરીને તેની કસ્ટડી પોલીસને સોંપવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ રાડા અને તેમની ટીમે ફ્લાઇંગ સ્ક્વોર્ડને સતત સહયોગ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા મશીનનો માલિકનુંધાતડ ગામનો સદામ હુસેન પઢિયાર હોવાનું બહાર આવ્યું છે.

તંત્ર દ્વારા હાલમાં મશીન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ખનિજ ચોરીમાં સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની તેમજ દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી ખનિજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે જિલ્લા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કુદરતી સંપત્તિની લૂંટ ચલાવનાર કોઈપણ તત્વને હવે બક્ષવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande