અજમેરથી ઇમામની ધરપકડ: સગીરાના ગેરકાયદેસર ધર્મપરિવર્તન અને નિકાહ મામલે રાપર પોલીસની મોટી કાર્યવાહી
કચ્છ, 17 જૂન (હિ.સ.) કચ્છના રાપર વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ, શારીરિક શોષણ અને ગેરકાયદેસર ધર્મપરિવર્તનના ગંભીર કેસમાં રાપર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અગાઉ મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ હવે રાજસ્થાનના અજમેર શહેરમાંથી એ
ધર્મ પરિવર્તન કેસમાં પકડાયેલ આરોપી


કચ્છ, 17 જૂન (હિ.સ.) કચ્છના રાપર વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ, શારીરિક શોષણ અને ગેરકાયદેસર ધર્મપરિવર્તનના ગંભીર કેસમાં રાપર પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અગાઉ મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ હવે રાજસ્થાનના અજમેર શહેરમાંથી એક ઇમામ/કાઝીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ ઇમામે સગીર વયની યુવતીનું ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન કરાવી તેનો નિકાહ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 12 જૂન 2026ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રાપરના રહેવાસી જાહીન અબદુલ ચૌહાણે સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉપરાંત યુવતીને ધમકી આપવાની અને મારઝૂડ કરવાની પણ ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જાહીન અબદુલ ચૌહાણની ધરપકડ કરી હતી.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે આરોપી યુવતીને રાજસ્થાનના અજમેર લઈ ગયો હતો, જ્યાં ખ્વાજા સાહેબ દરગાહ ખાતે ગત વર્ષ દરમિયાન તેનો નિકાહ કરાવવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું કે નિકાહ પહેલા સગીરાનું ગેરકાયદેસર રીતે ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં અજમેરના ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસની ટીમે અજમેર પહોંચી ઇમામ મોહમદ રમજાન જાનમોહમદને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા અદાલતે 19 જૂન 2026 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાક્રમમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેમજ ધર્મપરિવર્તન અને બાળલગ્ન સંબંધિત અન્ય પાસાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021ની કલમ 4(ક), બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006ની કલમ 9 અને 10 તેમજ પોક્સો કાયદાની કલમ 17નો પણ ગુનામાં ઉમેરો કર્યો છે. જેના કારણે કેસ વધુ ગંભીર બની ગયો છે.

આ સમગ્ર કાર્યવાહી રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ઝા, એચ.વી. કાતરિયા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસનું કહેવું છે કે સગીરો સામે થતા ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમની પ્રતિબદ્ધતા યથાવત રહેશે.

કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કેસમાં હવે પોલીસની આગળની તપાસ અને કોર્ટ કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande