ઓપરેશન મ્યુલ હન્ટ-2.0માં મોટી સફળતા: રૂ. 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી ઝડપાયો
અમરેલી,17 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના “ઓપરેશન મ્યુલ હન્ટ-2.0” અંતર્ગત અમરેલી એલસીબી ટીમે મોટી સફળતા મેળવી છે. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે
ઓપરેશન મ્યુલ હન્ટ-2.0માં મોટી સફળતા: રૂ. 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ફરાર આરોપી ઝડપાયો


અમરેલી,17 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના “ઓપરેશન મ્યુલ હન્ટ-2.0” અંતર્ગત અમરેલી એલસીબી ટીમે મોટી સફળતા મેળવી છે. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 1.22 કરોડના સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, રાજ્યભરમાં સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને તોડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાવનગર રેન્જના આઈજી આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં પણ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત અમરેલી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળની ટીમે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપી અજીત સામતભાઈ પરમાર (ઉ.વ. 26), રહે. કતારગામ, સુરત (મૂળ વતન ગોરસ, મહુવા, ભાવનગર)ને ઝડપી પાડ્યો છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરિતોએ જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં અપાવવાની લાલચ આપી તેમના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કિટ અને સિમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપીંડીની રકમ આ ખાતાઓમાં જમા કરાવી હતી. 4 એપ્રિલથી 15 જુલાઈ 2025 દરમિયાન કુલ રૂ. 1,22,47,098ની શંકાસ્પદ રકમ આ ખાતાઓ મારફતે ટ્રાન્સફર અને ઉપાડી લેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલ આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલિયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. એમ.ડી. ગોહિલ, પો.સ.ઇ. જે.ડી. વાઘેલા, એએસઆઈ જીજ્ઞેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande