
મહેસાણા, 17 જૂન (હિ.સ.) : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત આગામી મંડલ કક્ષાના ‘અભ્યાસ વર્ગ 2026’ના સુચારુ આયોજન માટે આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં જિલ્લા અને મંડલ કક્ષાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળામાં આગામી દિવસોમાં યોજાનારા અભ્યાસ વર્ગને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત રીતે આયોજિત કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના આયોજન, વ્યવસ્થાપન, કાર્યકરોની ભાગીદારી, કાર્યક્રમના વિવિધ સત્રો તેમજ સંગઠનાત્મક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને અંત્યોદયના સિદ્ધાંતોને કાર્યકરો સુધી પહોંચાડવા માટે પ્રશિક્ષણ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભ્યાસ વર્ગ દ્વારા કાર્યકરોને સંગઠનના સિદ્ધાંતો, કાર્યપદ્ધતિ અને જનસેવાના વિવિધ આયામો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
કાર્યશાળાના અંતે આગામી મંડલ કક્ષાના અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે જરૂરી જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ કાર્યકરોને સક્રિય ભાગીદારી માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકર્તા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR