



- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ કરવાનું મહત્વપૂર્ણ કદમ
– રાજ્યમાં પ્રથમવાર ટુ-વ્હીલર હેલ્થ યુનિટ સેવાઓનો પ્રારંભ
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં તમામ મોબાઈલ હેલ્થ યુનિટનું 14 જિલ્લાઓમાં પ્રસ્થાન
ગાંધીનગર, 17 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તારોના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ વધુ સરળ અને ઝડપી બનાવવા રાજ્યમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટનો પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આ 51 ટુ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ વાન યુનિટને ફ્લેગ ઓફ કરાવીને 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હોલિસ્ટિક હેલ્થકેરનો જે અભિગમ દેશમાં અપનાવ્યો છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાકાર કરવાના હેતુથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ તેમના ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે.
51 ટુ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ્સ અને 9 નવી મોબાઇલ હેલ્થ યુનિટ્સ સેવાઓનો મુખ્ય હેતુ દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સમયસર અને સરળતાથી પ્રાથમિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરાવવાનો છે.
રાજ્યના દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારોમાં જ્યાં ફોર વ્હીલર વાહનો આરોગ્ય સેવા માટે ન પહોંચી શકે તેવા વિસ્તારોમાં આપાતકાલિન કે જરૂરિયાતના સમયે આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ યુનિટમાં જરૂરી દવાઓ અને પ્રાથમિક મેડિકલ સાધનો ધરાવતા મેડિકલ બોક્સની સુવિધાઓ હશે.
એટલું જ નહિ, ડિજિટલ બી.પી. મશીન. સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, હિમોગ્લોબિન મીટર, ની-હેમર, નીડલ કટર, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રે, ટોર્ચ સહિતના આવશ્યક તબીબી સાધનો અને ઉપકરણોની સુવિધા ધરાવતા આ મોબાઇલ હેલ્થ યુનિટમાં પ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓને ડિજિટલ ડેટા એન્ટ્રી અને સીએમ ડેશબોર્ડ સાથે સંકલિત કરવામાં આવી છે.
આ નવી સેવાઓથી આદિજાતિ સમુદાયને જે બહુવિધ આરોગ્યલક્ષી ફાયદાઓ થવાના છે તેમાં સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને બાળકો માટે નિયમિત આરોગ્ય તપાસ થઈ શકશે તેમજ માર્ગદર્શન અને જરૂરી સારવાર ઉપલબ્ધ થવાથી માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે તથા માતા અને બાળ આરોગ્યમાં એકંદરે સુધારો થશે.
આ નવી પહેલથી સમયસર નિદાન અને સારવાર અને એક્સપર્ટ ટ્રીટમેન્ટ માટે ઝડપી રેફરલ સેવાઓ પણ ઉપલબ્ધ થશે. બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, બ્લડ શુગર, મેલેરિયા અને પેશાબ સંબંધિત પ્રાથમિક તપાસો ગ્રામ્ય સ્તરે જ થઈ શકશે. રોગોની વહેલી ઓળખ અને સમયસર સારવાર શક્ય બનશે. આ સિવાય ગંભીર અથવા વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સમયસર રિફર કરવામાં આવશે, તેના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મેળવવામાં સરળતા રહેશે.
કિશોરીઓ અને મહિલાઓની વિશેષ કાળજી માટે એનિમિયા, પોષણ, કિશોર આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધિત માર્ગદર્શન પણ આ સેવા અંતર્ગત આપવામાં આવશે. તેના કારણે સ્વસ્થ સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
હેલ્થ અવેરનેસ અંતર્ગત HIV/AIDS, તમાકુજન્ય રોગો, ચેપી અને બિન-ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવાની સાથે સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ યુનિટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત યોજનાઓનું માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC), તબીબી અધિકારીઓ દ્વારા નિયત રિપોર્ટીંગ અને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય સ્તરેથી જીપીએસ આધારિત મોનિટરીંગ સ્થાનિક સ્તરેથી જ કરી શકાશે.
નવા લોકોર્પણ થયેલા આ 51 ટુ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ્સ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટ્સથી આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળતી થવાથી હેલ્થ કેર ફોર ઓલનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ પાર પડશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના, દિશા નિર્દેશમાં લેવાયેલું ગુજરાત સરકારનું આ પગલું ગ્રામ્ય અને આદિજાતિ સમાજના જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન લાવીને વડાપ્રધાનશ્રીના ‘લાસ્ટ માઈલ સર્વિસ ડિલિવરી’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સાથે આરોગ્ય સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ બનશે.
મોબાઈલ યુનિટ પ્રસ્થાનના આ અવસરે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતન ચારણ ગઢવી, અધિક નિયામક ડૉ. નીલમ પટેલ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ