
સુરત, 17 જૂન (હિ.સ.) : સુરતના વેડ દરવાજા નજીક આવેલી દાયકાઓ જૂની નાસીરનગર વસાહતમાં થયેલા ડિમોલિશનનો મુદ્દો હવે રાજ્યની સરહદો પાર કરીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ 17 જૂને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગરીબોના મતને માન્યતા આપવામાં આવે છે તો તેમના રહેઠાણને અમાન્ય ગણાવવું યોગ્ય નથી. તેમણે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાથે ચર્ચા કરવાની ખાતરી આપી અને અસરગ્રસ્ત પરિવારો માટે માનવતાવાદી અભિગમ અપનાવવાની સલાહ આપી.
આઠવલેએ જણાવ્યું કે શહેરોના વિકાસમાં શ્રમિક વર્ગનું મહત્વપૂર્ણ યોગદાન છે અને તેમને વૈકલ્પિક આવાસ વિના ઘરવિહોણા કરવું યોગ્ય નથી. તેમણે મહારાષ્ટ્રની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) મોડલનો ઉલ્લેખ કરતાં સુરતમાં પણ પુનર્વસન આધારિત યોજના અમલમાં મૂકવાની ભલામણ કરી, જેથી વિકાસ અને માનવ અધિકારો વચ્ચે સંતુલન જળવાઈ રહે.
બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ સમગ્ર કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં તેમણે ડિમોલિશનને “સુનિયોજિત ષડયંત્ર” ગણાવ્યું છે. તેમના આક્ષેપ મુજબ કેટલાક અધિકારીઓ અને બિલ્ડર વચ્ચેની સાંઠગાંઠના કારણે ગરીબ પરિવારો પર અન્યાય થયો છે. તેમણે ડિમોલિશન દરમિયાન પોલીસ અને મનપાની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
સાયકલવાલાએ પત્રમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની તથા સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માંગ કરી છે. તેમણે CCTV ફૂટેજ, વાયરલ વીડિયો અને સંબંધિત કોલ ડિટેલ્સની તપાસ દ્વારા હકીકતો બહાર લાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ મામલે હવે સરકાર અને સંબંધિત તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે