
ભાવનગર,17 જૂન (હિ.સ.)ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૬૫મી સુબ્રટો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર અને ગ્રામ્ય દ્વારા આ અંગે ખેલાડીઓ, શાળાઓ અને સંસ્થાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધામાં સબ-જુનિયર ભાઈઓ (અંડર-15), જુનિયર ભાઈઓ (અંડર-17) તેમજ જુનિયર બહેનો (અંડર-17) વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ તેમજ સંસ્થાઓએ ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓએ www.subrotocup.in� વેબસાઈટ પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન નોંધણી પૂર્ણ કર્યા બાદ તેની એન્ટ્રીની નકલ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સીદસર રોડ, ભાવનગર ખાતે જમા કરાવવાની રહેશે.
એન્ટ્રી જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન એન્ટ્રી કરી કચેરીમાં જમા કરાવનાર શાળા અથવા સંસ્થાના ખેલાડીઓને જ સ્પર્ધાની તારીખ અને સ્થળ અંગેની માહિતી આપવામાં આવશે.
વયમર્યાદા મુજબ અંડર-15 ભાઈઓ માટે કટ-ઓફ તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૧૨, જ્યારે અંડર-17 ભાઈઓ અને અંડર-17 બહેનો માટે કટ-ઓફ તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૧૦ નક્કી કરવામાં આવી છે.
જિલ્લા રમતગમત અધિકારી દ્વારા તમામ શાળાઓ, રમતગમત સંસ્થાઓ અને ફૂટબોલ ખેલાડીઓને સમયસર નોંધણી કરાવી આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA