
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને વૈશ્વિક સપ્લાય ચેનમાં આવતી અવરોધોની અસર સહન કરવા અને આર્થિક મજબૂતી જાળવવામાં મદદરૂપ થવા માટે સહાયક વ્યવસ્થાઓ બનાવવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં સંકટના કારણે ઈંધણ, ખાતર અને ખાદ્ય સપ્લાય ચેનમાં આવેલી અડચણોનો પ્રભાવ લાંબા સમય સુધી ‘વૈશ્વિક દક્ષિણ’ પર રહેશે. તેમણે કહ્યું, “જો આપણે ખરેખર આંતરરાષ્ટ્રીય એકતા મજબૂત કરવા માંગીએ છીએ, તો સૌથી નબળા દેશોને આ સંકટોનો બોજ એકલા ઉઠાવવા ન દેવો જોઈએ.”
પ્રધાનમંત્રી મોદીએ, આજે એવિયાનમાં યોજાયેલા જી7 શિખર સંમેલનમાં ‘સૌ માટે સંતુલિત, સહિયારો અને ટકાઉ આર્થિક વિકાસને ફરી શરૂ કરવા’ વિષય પર આયોજિત આઉટરીચ સત્રને સંબોધિત કર્યું. તેમણે આ વિષયને મહત્વ આપવાના બદલામાં ફ્રાંસ (જી-7 પ્રેસિડેન્સી)ની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વિકાસનો અર્થ માત્ર જીડીપી અથવા વેપારના આંકડા નથી. સાચો પ્રશ્ન એ છે કે વિકાસ કોના માટે, કોની સાથે અને કઈ દિશામાં થઈ રહ્યો છે? ભારતનો અનુભવ દર્શાવે છે કે સહિયારા વિકાસથી આશાઓને વાસ્તવિકતામાં બદલી શકાય છે. ભારતની વિકાસગાથા સમાવેશ, મોટા પાયે અમલ અને લોકતાંત્રિક સશક્તિકરણની કહાની છે.
મોદીએ કહ્યું કે, આ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’થી પ્રેરિત છે. ભારતે જી20 અધ્યક્ષપદ, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (આઈએમઈસી)ની શરૂઆત અને અનેક અન્ય અવસરો પર આ દર્શાવ્યું છે. તેમણે સૂચન કર્યું કે, આઈએમઈસીના વિઝન મુજબ જ આપણે આફ્રિકા, લેટિન અમેરિકા અને પ્રશાંત ટાપુ દેશો સાથે ‘સંપર્ક પ્રોજેક્ટો’ પર કામ કરવું જોઈએ.
તેમણે સંપર્ક પ્રોજેક્ટો અને વેપારને ઝડપી બનાવવા માટે ‘ઇન્ટરનેશનલ મોબિલાઈઝેશન પાર્ટનરશિપ ફોર એક્સેલરેટિંગ કનેક્ટિવિટી એન્ડ ટ્રેડ’ (ઇમ્પેક્ટ) બનાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, તેને જી7ની મૂડી, ભારતની પ્રતિભા અને ‘વૈશ્વિક દક્ષિણ’ દેશોની ભાગીદારીથી બનાવાઈ શકે છે.
પ્રધાનમંત્રીએ ‘ગ્લોબલ સ્કિલ્સ પાર્ટનરશિપ’ બનાવવાનું પણ આહ્વાન કર્યું અને કહ્યું કે, અમે કૌશલ્ય મેપિંગ અને વિશ્વસનીય કુશળ લોકોની અવરજવર વધારવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, આજે ઘણા સમાજ વૃદ્ધ થઈ રહ્યા છે, જ્યારે ભારત અને ‘વૈશ્વિક દક્ષિણ’ના અન્ય દેશોમાં યુવાન પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્યની ભરપૂરતા છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ