ગુજરાતમાં બોમ્બની ધમકીથી ખળભળાટ: સુરત, જામનગર અને વડોદરા મનપા કચેરીઓને ઉડાવી દેવાની ચેતવણી
સુરત, 17 જૂન (હિ.સ.) ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત, જામનગર અને વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યા ઈ-મેલ અને સંદેશાઓ મળતા જ પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પ્રાથમિક
बम निरोधक दस्ता की टीम जांच करते हुए


સુરત, 17 જૂન (હિ.સ.) ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત, જામનગર અને વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યા ઈ-મેલ અને સંદેશાઓ મળતા જ પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, સૌથી પહેલા જામનગર મહાનગરપાલિકાને બોમ્બ હોવાની ધમકી મળતા તાત્કાલિક સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા અને સુરત મહાનગરપાલિકાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) તથા ડોગ સ્ક્વોડની ટીમોએ મનપાની મુખ્ય કચેરી, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક વિભાગની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે મનપાના કર્મચારીઓ અને કામકાજ માટે આવેલા નાગરિકોમાં થોડા સમય માટે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવી લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

બીજી તરફ, ધમકીભર્યા ઈ-મેલ અને સંદેશાઓના સ્ત્રોત સુધી પહોંચવા માટે સુરત પોલીસની સાયબર ક્રાઈમ સેલ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તમામ સ્થળોએ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande