
પાટણ, 17 જૂન (હિ.સ.) પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સ્વાતિ ખત્રીએ ચેક બાઉન્સના એક કેસમાં આરોપી મણિલાલ પટેલને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે ફરિયાદીને રૂ. 9.60 લાખ વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
કેસ મુજબ, સપ્ટેમ્બર-2022માં મણિલાલ પટેલે ધંધાની જરૂરિયાત માટે પરિચિત મનોહર પટેલ પાસેથી મિત્રતાના આધારે રૂ. 9.60 લાખ ઉછીના લીધા હતા અને બાદમાં ચુકવણી માટે મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકનો ચેક આપ્યો હતો.
ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતી રકમ ન હોવાથી તે ‘અનસફિશિયન્ટ ફંડ’ના કારણસર બાઉન્સ થયો હતો. કાનૂની નોટિસ મોકલવા છતાં રકમ પરત ન મળતા ફરિયાદીએ પાટણ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે ચુકાદો આપતાં આરોપીને વળતરની રકમ 30 દિવસમાં ચૂકવવાનો આદેશ કર્યો છે. જો આ રકમ સમયમર્યાદામાં નહીં ચૂકવે તો આરોપીને વધુ 3 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ