
અમદાવાદ,17 જૂન (હિ.સ.) દેશભરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાનું કામ બંગાળના પરિણામો પછી શરૂ થઈ ગયું છે.રાજ્યભરમાં પણ અમદાવાદ સહિત ગેરકાયદેસર રહેતા 600થી વધુ બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામને પકડ્યા બાદ દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી.
ગુજરાત પોલીસ દ્વારા બાંગ્લાદેશીની ઓળખ સરળતાથી થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગતો મળી જશે.
‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત લોકોની અટકાયત
આ એપ્લિકેશન આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવી છે, જેના કારણે કોઈપણ વ્યક્તિનો ફોટો સ્કેન કરતાં જ તેના આધારકાર્ડની તમામ વિગતો સામે આવી જાય છે. આધારકાર્ડમાં કોઈ ચેડાં કરીને વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો પણ આ એપ્લિકેશનમાં તરત જ સાચી વિગતો સામે આવી જાય છે.
અમદાવાદમાં આવીને ખોટા આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે બાંગ્લાદેશી નાગરિકોએ પાસપોર્ટ, ચૂંટણીકાર્ડ તેમજ અન્ય ઓળખપત્રો પણ બનાવી લીધા હતા, ત્યારે બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ખૂબ મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
આ તમામ લોકો પાસે બોગસ દસ્તાવેજો હતા.ત્યારે તેમના વેરિફિકેશન માટે પોલીસ દ્વારા ડેવલપ કરવામાં આવેલી ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.આ એપ્લિકેશનને આધાર ડેટાબેઝ સાથે લિંક કરવામાં આવી છે,જેના કારણે દેશભરમાં જેટલા લોકો પાસે આધારકાર્ડ છે,તેમની સાચી વિગતો આ એપ્લિકેશન દ્વારા મેળવી શકાય છે.એટલે કે હવે કોઈ ગઠિયો કે ઘુસણખોર કોઈના આધારકાર્ડમાં ચેડાં કરીને પોતાનો ફોટો લગાવી દે અથવા પોતાના અસલી ફોટા સાથે બીજું નામ કે અન્ય વિગતો ઉમેરી દે તો પણ તે બચી શકશે નહીં.
આ કવાયત દરમિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ કુલ 269 બાંગ્લાદેશી ઘુસણખોરોના દસ્તાવેજો બોગસ હોવાનું સામે આવ્યું હતું.અન્ય રાજ્યોના ગુનેગારોને પણ જ્યારે પોલીસ પકડી લેતી હોય છે ત્યારે તેમની પાસે રહેલું આધારકાર્ડ સાચું છે કે તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યા છે તેની ચકાસણી પણ આ એપ્લિકેશનના માધ્યમથી કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ