
બોટાદ, 17 જૂન (હિ.સ.)ગઢડા તાલુકાના માંડવધાર ગામે જિલ્લા પંચાયતની માંડવધાર-વાવડી-ભીમડાદ બેઠક વિસ્તાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ હેઠળ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણની વિવિધ સફળ ગાથાઓ તેમજ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ જનકલ્યાણ શિબિરમાં માંડવધાર સહિત કુલ 34 ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ ઉભા કરી લોકોને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી સહાય અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભ મેળવનાર 29 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હરદેવસિંહ ગોહિલે સરકારશ્રીની વિવિધ યોજનાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને લાભ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કારોબારી ચેરમેન ચંદુભાઈ પાલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ મહામંત્રી જીતુભાઈ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ આગેવાનો, તલાટી કમ મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ જનકલ્યાણ શિબિર દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળે માહિતી અને સેવાઓ ઉપલબ્ધ થતાં લોકોએ કાર્યક્રમને આવકાર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને ગ્રામ વિકાસ તથા જનકલ્યાણના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA