
અમદાવાદ, 17 જૂન (હિ.સ.) : ગુજરાતમાં ચોમાસાને લઈને ખેડૂતોની ચિંતા વધી રહી છે. રાજ્યમાં ખેંચાયેલા સોમાસા અંગે હવામાન નિષ્ણાતોએ ચિંતાજનક અનુમાન આપ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું બેસવાની 15 જૂન છે વિતી ગયા બાદ પણ રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ન થતા ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર છે. ત્યારે હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, ચોમાસાને મુંબઈ પહોંચવામાં હજુ 7થી 8 દિવસ લાગી શકે છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. છૂટાછવાયા અને હળવા ઝાપટાં સાથે શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જે બાદ બુધવારે સવારે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં આજથી બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. એટલે કે શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના સર્કિટ હાઉસ, ડેપા સહિત તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા ખેડૂતો અને શહેરીજનો હજુ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં,સૌરાષ્ટ્ર કચ્છમાં સાત દિવસ વાતાવરણ સુકું રહશે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. 18 જૂને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત પર અસર કરી શકે છે. ચોમાસું આગામી ત્રણ-ચાર દિવસમાં મધ્ય અરબ સાગર, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં આગળ વધી શકે છે.
16 જૂને 40.6 ડિગ્રી સાથે અમદાવાદ શહેર સૌથી ગરમ શહેર રહ્યું. ત્યારબાદ ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અન્ય શહેરો ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર રહ્યો હતો.
અમદાવાદ શહેરમાં આગામી સમયમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં થોડું વધારે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ